ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઘોટકી જિલ્લાના ધારકી કસ્બામાં હોળીના એક દિવસ પહેલાં ૧૫ અને ૧૩ વર્ષની બે હિન્દુ સગીરા બહેનનું અપહરણ કરાયું હતું. ત્યાર પછી બન્નેને ઇસ્લામ કબૂલ કરાવીને લગ્ન કરાવાયા અને પંજાબના રહીમ યાર ખાન લઈ જવાઈ હતી. તેવા અહેવાલ વહેતા થયા હતા.
બે સગીરાના અપહરણ, જબરદસ્તીથી ધર્મ પરિવર્તન અને લગ્ન કરાવવાના આ કેસને કારણે નવો વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે મીડિયાના અહેવાલોને ટ્વિટર પર ટાંકીને લખ્યું હતું કે, આ મુદ્દે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ પાસે રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ, પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ આ મુદ્દાને ટ્વિટર પર પાકિસ્તાનનો આંતરિક મામલો ગણાવતાં સુષ્મા સ્વરાજે સખત વાંધો ઉઠાવ્યો હતો. જોકે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે સિંધ અને પંજાબ સરકારને સગીરાને સુરક્ષિત સ્થળે મોકલવા તેમજ દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત ખાને માનવાધિકાર મંત્રાલયને પણ તપાસના આદેશ આપ્યા હતા.
તમે કેમ ચિડાયા?
આ મુદ્દે સુષ્મા સ્વરાજે ટ્વિટર પર સવાલ પૂછતાં ફવાદ ચૌધરીએ કહ્યું કે, આ અમારો આંતરિક મામલો છે. અમને આશા છે કે, ભારત પણ લઘુમતીઓ માટે ઝડપથી કંઈક કરશે. આ મુદ્દે સ્વરાજે પલટવાર કરતાં કહ્યું કે, મિસ્ટર ચૌધરી, અમે દૂતાવાસ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. તમે કેમ ચિડાઈ ગયા? તમારું ચીડિયાપણું તમારો અપરાધભાવ દર્શાવે છે.