પેશાવર: પાકિસ્તાનના પેશાવરના જોગીવરા વિસ્તારમાં આવેલું ૩૦૦ વર્ષ જૂનું ગુરુદ્વારા ફરીવાર ખોલાયું છે. આ ગુરુદ્વારાને બંને દેશોના ભાગલા બાદ બંધ કરી દેવાયું હતું. ગુરુદ્વારા અંગે મનાય છે કે, તેને ગુરુ ગોવિંદસિંહે બનાવ્યું હતું. એક સમારોહમાં ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી)એ સત્તાવાર રીતે શીખ સમુદાયને સોંપી દીધું હતું. છેલ્લા ૩૦૦ વર્ષોથી શીખ સમુદાય જોગીવરાના ગુરુદ્વારામાં આવે છે, પરંતુ ૧૯૪૭માં દેશના ભાગલા પડયા બાદ મોટાભાગના શીખ પરિવારો ભારતમાં આવી ગયા અને કેટલાક રાવલપિંડી, હસન અબ્દેલ અને ખૈબર જેવા વિસ્તારોમાં રહ્યા હતા.
ગુરુદ્વારામાં લોકોનું આવવાનું બંધ થયા પછી ધાર્મિક બાબતોના ડિપાર્ટમેન્ટે તેને પોતાને હસ્તક લઇને બંધ કરી દીધું હતું. તેને ફરીથી ખોલવાનો નિર્ણય કરાયા બાદ રિનોવેશનમાં રૂ. ૮.૫ લાખનો ખર્ચ થયો છે. ગુરુદ્વારાના નવીનીકરણનું કામ ૨૦૧૩થી ચાલી રહ્યું હતું. પાકિસ્તાનના શીખ સમાજે ગુરુદ્વારા ફરી ખોલવાના નિર્ણયનું સ્વાગત કરતા ખુશી વ્યક્ત કરી છે.