કરાચી: પાકિસ્તાનમાં આઝાદી પહેલાં નિર્માણ પામેલું એક હનુમાન મંદિર તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. મંદિર આસપાસ અંદાજે ૨૦ હિંદુ કુટુંબો વસી રહ્યા હતા. તેમના મકાન પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. એક બિલ્ડર અહીં કોલોની બનાવી રહ્યો છે. આરોપ છે કે સ્થાનિક વહીવટીતંત્ર બિલ્ડરની પડખે છે. મંદિરની જે મૂર્તિઓ હતી તેને પણ ગાયબ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકાર દ્વારા આ સંબંધમાં હજી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
મંદિરના પૂજારી આરોપ કરી રહ્યા છે કે એક બિલ્ડરે લગભગ છ મહિના પહેલાં કરાચીના પરાવિસ્તાર લાયરીમાં જમીન ખરીદ કરી હતી. તે અહીં કોલોની બનાવવા માગે છે. વિસ્તારમાં ૨૦ હિંદુ પરિવારો પણ વસે છે. નજીકમાં એક પ્રાચીન હનુમાન મંદિર છે. મહામારીને પગલે થોડા દિવસ પહેલાં મંદિર બંધ કરાયું હતું. ૨૨મીએ મુદે હોબાળો થતાં પોલીસે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો. મંદિર કાટમાળમાં તબદીલ થઈ ચૂક્યું છે.