નાઈરોબીઃ કેન્યાની કોર્ટે 8 જુલાઈએ આપેલા ચુકાદામાં 2022માં નાઈરોબીમાં પાકિસ્તાની પત્રકાર અર્શાદ શરીફની હત્યટા માચે કેન્યાની પોલીસને જવાબદાર ઠરાવાઈ હતી. પોલીસે ટ્રાફક ચેકપોઈન્ટ પર પાકિસ્તાની પત્રકારની કાર પર ગોળીબાર કર્યા પછી તેના મોતની તપાસમાં જડતા અને બેદરકારી દાખવવા બદલ કેન્યાના એટર્ની જનરલ અને ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશનની જજ સ્ટેલા મુટુકુએ આકરી ટીકા કરી હતી. કોર્ટે સત્તાવાળાઓને ઘટનાની તપાસ પૂર્ણ કરવા અને શરીફના પરિવારને 10 મિલિયન કેન્યન શિલિંગ્સ (78,000 ડોલર)નું વળતર ચૂકવવા સરકારને આદેશ આપ્યો હતો.
50 વર્ષીય પત્રકાર અર્શાદ શરીફ પાકિસ્તાની રાષ્ટ્રીય સંસ્થાઓની નિંદા કરવાના આરોપ લાગ્યા પછી ધરપકડ ટાળવા પાકિસ્તાનથી નાસી છૂટ્યા હતા. પાકિસ્તાની તપાસકારોના જૂથે ડિસેમ્બર 2022માં શરીફની હત્યા સુનિયોજિત હત્યા હોવાનો રિપોર્ટ આપ્યો હતો. પાકિસ્તાની સરકારે જણાવ્યું હતું કે પત્રકાર શરીફની હત્યામાં કોઈ પાકિસ્તાની સરકારી સંસ્થા સંડોવાયેલી નથી. કેન્યાના સત્તાવાળાઓએ તપાસમાં ગોળીબારમાં સંકળાયેલા મનાતા કોઈ ઓફિસરની ધરપકડ કરી નથી કે ચાર્જ લગાવ્યા ન હતા.