નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક માનેલી બહેન પાકિસ્તાની છે. તે તેમને છેલ્લા ૨૪ વર્ષથી રાખડી બાંધતી આવી છે. તેનું નામ છે કમર મોહસીન શેખ. આ પાકિસ્તાની બહેન રક્ષાબંધનના દિવસે ૧૫મી ઓગસ્ટે સવારે મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સાત લોકકલ્યાણ માર્ગ પહોંચીને તેમણે વડા પ્રધાનને રાખડી બાંધી હતી. કમર મોહસીને તેમના પતિએ બનાવેલું પેઇન્ટિંગ પણ મોદીને ભેટ આપ્યું હતું. તેઓ લાલ કિલ્લા પર આયોજિત ૧૫મી ઓગસ્ટના કાર્યક્રમમાં પણ ગયા હતા. કમર મોહસીને કહ્યું હતું કે, ‘હું પ્રાર્થના કરું છું કે આવતા પાંચ વર્ષ ભાઈ માટે ખૂબ જ સારા રહે. સમગ્ર દુનિયા તેમના દ્વારા લેવાયેલા સકારાત્મક નિર્ણયની નોંધ લે.’ કમર અને મોદીની મુલાકાત થોડાક વર્ષો પહેલાં એક કાર્યક્રમમાં થઇ હતી. એક વાર મોહસીન તેમના પતિ સાથે દિલ્હી કામકાજ માટે આવ્યા હતા ત્યારે રક્ષાબંધન હતી. એ સમયે તેમણે મોદીને રાખડી બાંધવાનો આગ્રહ કર્યો હતો. ૨૦૧૭માં મોહસીને મોદીની વ્યસ્તતાને જોઈને રાખડી ન બાંધવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મોદીએ જ તેમને આમંત્રણ આપ્યું હતું.