નવી દિલ્હીઃ પાકિસ્તાને એલઓસી પર સતત ફાયરિંગ ચાલુ રાખતા ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. ભારતીય સેનાએ એલઓસી પર આવેલી પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી એન્ટિ ટેન્ક મિસાઈલ છોડી હતી. સામાન્ય રીતે પાકિસ્તાની ફાયરિંગનો જવાબ મોર્ટાર એટલે કે નાના બારૂદી ગોળા દ્વારા આપવામાં આવતો હોય છે. પરંતુ પાકિસ્તાની સૈન્યએ વારંવાર ચેતવણી છતાં ફાયરિંગ બંધ કર્યું ન હતું. માટે ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો હતો.
ભારતીય સૈન્યએ આ પ્રહારનો વીડિયો પણ જાહેર કર્યો હતો. જેથી પ્રહાર થયો છે કે કેમ એ અંગે કોઈને પુરાવા માંગવાની જરૂર ન પડે. વીડિયોમાં પાકિસ્તાની બાંધકામો વિસ્ફોટ પછી કાટમાળમાં ફેરવાતા સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાન નિયમિત રીતે સાડા સાતસો કિલોમીટર લાંબી લાઈન ઓફ કન્ટ્રોલ પર ફાયરિંગ કરતું રહે છે. પાકિસ્તાન એ રીતે ભારતીય સૈન્યને છંછેડતું રહે છે.