ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ૨૧મી સપ્ટેમ્બરે (આજે) કહ્યું હતું કે, પાકિસ્તાને ટૂંકા અંતર સુધી લડાઈ કરી શકે તેવા ‘ન્યૂક્લિયર વેપન’ બનાવ્યા છે. આ હથિયાર ભારતના તે ‘કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટ્રિન’ને જવાબ આપવા માટે બનાવાયા છે. ખાકાને કહ્યું કે, પરમાણુ સંપત્તિ પર અમારી પાસે એક ખૂબ જ મજબૂત, સુરક્ષિત કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ છે. આખી સિસ્ટમ ન્યૂક્લિયર કમાન્ડ ઓથોરરિટી (એનસીએ)ની દેખરેખ હેઠળ છે. જેથી એવી શક્યતાઓ જ નથી કે હથિયારો આંતકવાદીઓના હાથમાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, આ ઓથોરિટી દેશના પરમાણુ હથિયારો સાથે સંબંધિત, કંટ્રોલ અને ઓપરેશનલ નિર્ણયની જવાબદાર છે.
અબ્બાસીએ આગળ કહ્યું કે, અમે ન્યૂક્લિયર વેપન ભારતની ‘કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટ્રિન’નીતિનો જવાબ આપવા માટે બનાવાયા છે. જાણકારી માટે જણાવી દઈએ કે, ‘કોલ્ડ સ્ટાર્ટ’ ભારતની સેના દ્વારા બનાવવામાં આવેલો સૈન્ય સિદ્ધાંત છે. જેને ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. ‘કોલ્ડ સ્ટાર્ટ સિદ્ધાંત’ અનુસાર આદેશ મળ્યાના ૪૮ કલાકની અંદર જ હુમલો શરૂ કરી શકાય છે. જોકે, ભારતે સતત આનો ઈનકાર કર્યો છે. જ્યારે મોડરેટર ડેવિડ સેંગરે કહ્યું કે, પાકિસ્તાન દુનિયાની સૌથી ફાસ્ટ વિકસિત થનાર પરમાણુ શક્તિ છે. દુનિયામાં એવી કોઈ શક્તિ નથી, જે પાકિસ્તાનની જેમ પરમાણુ બાબતોમાં આટલી ઝડપી વિકસિત થઈ હોય. પાકિસ્તાન ઉપરાંત ઉત્તર કોરિયા પણ એકદમ ઝડપી પરમાણુ બાબતોમાં આગળ વધી રહ્યો છે. જેનાથી અમેરિકાની ચિંતામાં વધારો થયો છે. અમેરિકા હથિયારની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેઓ હથિયારનું કમાન્ડ અને કંટ્રોલને લઈને ટેન્શનમાં છે. જોકે, આ બાબતે અબ્બાસીનું કહેવું છે કે, પાકિસ્તાનમાં ન્યૂક્લિયર હથિયાર પર કમાન્ડ અને કંટ્રોલ અન્ય દેશોની સરખામણીમાં વધારે સુરક્ષિત છે.