ઈસ્લામાબાદઃ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. દસકાઓથી કાશ્મીર પર ડોળો માંડીને બેઠેલા પાકિસ્તાને ભારતના આ પગલાંના વિરોધમાં રોષે ભરાઇને પોતાના જ પગ પર કુહાડો મારતા નિર્ણયો જાહેર કર્યા છે. જેમાં તેણે ભારત સાથેનો દ્વિપક્ષી વ્યાપાર અટકાવી દીધો છે, ભારત ખાતેના પોતાના હાઇ કમિશનરને પરત બોલાવી લીધા છે તો ઇસ્લામાબાદમાં ફરજ બજાવતા ભારતીય હાઇ કમિશનરને દેશ છોડી જવા જણાવ્યું છે, ભારતીય વિમાનો માટે ફરી એક વખત પોતાની એર સ્પેસ બંધ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાને આ વખતે તેનો સ્વતંત્રતા દિન કાશ્મીરીઓના સમર્થનમાં ઉજવવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે બેઠક બોલાવી હતી, જેમાં ભારતવિરોધી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ સરકારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન, સૈન્ય અધિકારીઓ અને વહીવટી વિભાગના અધિકારીઓએ બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી ભારત સાથેના રાજદ્વારી સંબંધો પર હવે પૂર્ણવિરામ મૂકાશે. હાલ આ સંબંધોને મર્યાદિત કરી નંખાયા છે અને આગામી દિવસોમાં આ સંબંધ સંપૂર્ણ કાપી નંખાશે.
આ ઉપરાંત પાકિસ્તાને જાહેર કર્યું હતું છે કે ભારત સાથેના વેપાર સંબંધોને પણ હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે. જોકે આ નિર્ણયોથી પાકિસ્તાન પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યું છે કેમ કે વ્યાપાર બંધ કરવાથી પાકિસ્તાનને જ વધુ નુકસાન થશે. આ ઉપરાંત એવી ચીમકી ઉચ્ચારી છે કે ભારતે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરી છે તે મુદ્દાને હવે યુનાઇટેડ નેશન્સ તેમજ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પડકારવામાં આવશે.
આ બધા ઉપરાંત પાકિસ્તાને બીજો પણ એક નાટકીય નિર્ણય જાહેર કર્યો છે. પાકિસ્તાન દર વર્ષે ૧૪મી ઓગસ્ટે સ્વતંત્રતા દિન ઉજવે છે, જોકે આ વખતનો સ્વતંત્રતા દિન તેણે કાશ્મીરીઓના સમર્થનમાં ઉજવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પાકિસ્તાની સૈન્યને પણ આદેશ આપવામાં આવ્યા છે કે સરહદે ચાંપતી નજર રાખવામાં આવે.
ઇમરાન ખાને યોજેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, આઇએસઆઇ વડા, સૈન્યના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. પાક. વડા પ્રધાને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠક પણ યોજી હતી. આ કાઉન્સિલ સૈન્ય અને અન્ય સુરક્ષા એજન્સીઓનું સંચાલન કરે છે. આ જ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ ભારત સ્થિત પાકિસ્તાનના રાજદુતને પરત બોલાવી લેવાનો અને પાકિસ્તાનમાં ફરજ બજાવતા ભારતીય હાઇ કમિશનરની હકાલપટ્ટીનો નિર્ણય લેવાયો હતો.
પાકિસ્તાને એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે કાશ્મીર મામલો અહીં પુરો નથી થયો અને તેના માટે અમે કોઇ પણ હદે જવા તૈયાર છીએ. વરિષ્ઠ પ્રધાન ફવાદ ચૌધરીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પાકિસ્તાને હવે ભારત સાથેના રાજદ્વારી સંબંધોને કાયમ માટે પુરા કરી દેવા જોઇએ.