નવી દિલ્હીઃ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે વધતા સહયોગની અસર જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી), ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) તેમજ બંને દેશો સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો પર પણ જોવા મળી રહી છે.
દબાણ વધારવા પ્રયાસ
લદ્દાખ અને સિક્કિમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે તેવા સમયે ભારત પર દબાણ વધારવા માટે પાકિસ્તાને પણ સરહદ પર તોપો, વિમાન પર પ્રહાર કરી શકતી તોપો અને વધારાની સૈન્ય ડિવિઝન ગોઠવીને તંગદિલી વધારી છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્યે છેક એપ્રિલથી અંકુશ રેખા નજીકના વિસ્તારોમાં સૈન્ય પ્રવૃત્તિ વધારી દીધી છે. શરૂઆતમાં તેને જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી નિશ્ચિત કરવાની તેની રણનીતિનો ભાગ સમજવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયુક્તિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પાકિસ્તાન તોપખાનાને આગળ લાવ્યું છે અને છેલ્લા ૧૫ દિવસમાં અંકુશ રેખા પર વિમાન પર પ્રહાર કરી શકે તેવી તોપો પણ ગોઠવી દીધી છે.
વારંવાર યુદ્ધવિરામનો ભંગ
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સૈન્ય દ્વારા છેલ્લા એક મહિનામાં પૂંચ સેક્ટરમાં સૌથી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદે પણ તેના સૈન્યે ઉશ્કેરણીપૂર્ણ હુમલા કર્યા છે. પાકિસ્તાને તેની સરહદો પરની નાગરિક વસ્તીઓ વચ્ચે તેના ઓપરેશનલ કેન્દ્ર પણ સ્થાપિત કર્યા હોવાના અહેવાલ છે. પાકિસ્તાની સૈન્યે તેના ઓર્ડર ઓફ બેટલમાં પણ ફેરફાર કર્યા હોવાનું મનાય છે. આવા સમયમાં ચીન સરહદે ભારતીય સૈન્યે ત્રણ વખત ચીનના સૈન્ય સામે સંઘર્ષની સ્થિતિનો સામનો કરવો પડયો છે. અક્સાઈ ચીન વિસ્તારમાં પણ ચીને તેના સૈનિકોની સંખ્યા અચાનક વધારી દીધી છે. બે દાયકામાં પહેલી વખત આવું થયું છે. ભારતે પણ પહેલી વખત ચીન નજીકના વિસ્તારોમાં તેના ફાઈટર વિમાનો ઉડાવ્યા છે.
દરેક સ્થિતિનો સામનો કરવા સજ્જ ભારતીય સેના
ઉત્તરીય કમાનના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ મુદ્દે પૂર્વીય લદ્દાખમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરની બધી જ પ્રવૃત્તિઓ પર અમારી નજર છે. ભારતીય સૈન્ય દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવામાં સમર્થ છે. પડોશી દેશોના ઈરાદાઓને ધ્યાનમાં રાખીને અમે વ્યાપક તૈયારી કરી છે. અમે બંને પડોશી દેશોને જવાબ આપવા સક્ષમ છીએ.
સંરક્ષણ બાબતોના નિષ્ણાત મેજર જનરલ (સેવાનિવૃત્ત) ગોવર્ધન સિંહ જામવાલે કહ્યું કે ચીન હંમેશા આગળ વધવાનું બહાનું શોધતું રહે છે. ભારત તેના માટે મોટો પડકાર છે. કોરોના સંકટના કારણે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધો વણસ્યા છે. બીજી બાજુ ભારત-અમેરિકાના સંબંધો સુધર્યા છે. ચીન પૂર્વોત્તરમાં જ નહીં, લદ્દાખ સાથેના વિસ્તારોમાં પણ સૈન્ય પ્રવૃત્તિઓ વધારી ભારત પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.