પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે મુલાકાત કરી તેમાં કાશ્મીરમાં હિંસા અને ભારત-પાક.ની સરહદનો મુદ્દો ચર્ચાના મુખ્ય વિષય હતા. પાક. તરફથી યુએસને રજૂઆત થઈ કે, ભારત બલુચિસ્તાનમાં દરમિયાનગીરી કરે છે. જોકે પાક.ના આક્ષેપને અમેરિકાએ પહેલે ધડાકે જ ફગાવી દીધો હતો અને ત્રાસવાદ સામે લડવા નક્કર પગલાં લેવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારત વિરુદ્ધનાં ડોઝિયરને યુએસ દ્વારા ધ્યાનમાં જ લેવાયું નહોતું. પાક.ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરીને ભારત વિરુદ્ધ ત્રણ ડોઝિયર આપ્યા હતા. જેમાં બલુચિસ્તાન અને પાક.નાં અન્ય વિસ્તારોમાં ભારતની ભૂમિકા હોવાનો ઉલ્લેખ હતો. જોકે જ્હોન કે તેમના સહયોગીઓએ આ બાબતને મહત્ત્વ આપ્યું ન હતું. વિદેશ વિભાગના ડેઈલી બ્રીફિંગમાં પણ આ ડોઝિયરનો ઉલ્લેખ કરાયો ન હતો.
પરમાણુ હથિયારો અંગે કોઈ શરતો નહીં માનીએ
પાક. વિદેશ સચિવ એઝાઝ ચૌધરીએ અમેરિકાને જણાવ્યું હતું કે, સિવિલ એટમિક કરારો માટે પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયાર અંગે કોઈ શરત માનશે નહીં. પાકિસ્તાનના પરમાણુ હથિયાર ભારત સામે લડવા માટે છે. તેની સંખ્યામાં ઘટાડો ન થઈ શકે. બે વર્ષથી પાકિસ્તાન ભારત સુધી પ્રહાર કરી શકાય તેવી ટૂંકા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે.
દરમિયાન અમેરિકી સંસદમાં આતંકવાદ અને અણુબિનપ્રસાર અંગેની ઉપસમિતિના વડા રહી ચૂકેલા સાંસદ ટેડ પોએ ઓબામાને પાઠવેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન પોતાને અવારનવાર છેતરામણું અને કપટી પુરવાર કરી ચૂક્યું છે તેથી ઇસ્લામાબાદ સાથે કોઈ પણ પ્રકારની મુલ્કી અણુસંધિ પર સહી કરવી હિતાવહ નહીં હોય.