નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાની સ્થિત ભારતીય દૂતાવાસના બે કર્મચારી સોમવાર સવારથી લાપતા બન્યા હતા. સમાચાર હતા કે સોમવારે સવારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં તહેનાત સીઆઇએસએફના બે ડ્રાઇવર કોઇ કામ માટે એક જ વાહનમાં દૂતાવાસની બહાર નીકળ્યા હતા, પરંતુ તેઓ તેમના નિર્ધારિત સ્થળે પહોંચ્યા નહોતા. જેના પગલે ભારતીય હાઇ કમિશનના અધિકારીઓએ નવી દિલ્હી અને પાકિસ્તાનની વિદેશ કચેરીને જાણ કરી હતી. શરૂઆતમાં બંને ભારતીય કર્મચારીઓની કોઇ ભાળ મળી નહોતી. એવી શંકા હતી કે, થોડા દિવસ પહેલાં ભારતે જાસૂસીના આરોપમાં દિલ્હી સ્થિત દૂતાવાસના ૩ કર્મચારીની અટકાયત કર્યા બાદ દેશનિકાલ કરતાં બદલો લેવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા ભારતીય દૂતાવાસના કર્મચારીઓને ગુમ કરાયાં છે. પાકિસ્તાની સત્તાએ ભારતીય કર્મચારીઓ અંગે સચોટ માહિતી ન અપાતાં ભારતીય વિદેશ મંત્રાલયે દિલ્હીમાં પાકિસ્તાની હાઇકમિશનના પ્રભારી સૈયદ હૈદર શાહને તાત્કાલિક સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
ભારત તરફથી આકરી પ્રતિક્રિયા
ભારત તરફથી આકરી પ્રતિક્રિયા થતાં પાકિસ્તાને માહિતી આપી હતી કે, ભારતીય દૂતાવાસના બે કર્મચારીની હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરાઇ છે. ઇસ્લામાબાદ પોલીસે આરોપ મૂક્યો હતો કે, બંને એક રાહદારી પર કાર ચડાવી દીધા બાદ નાસી છૂટયા હતા. ભારતના વિદેશ મંત્રાલયે આકરું નિવેદન જારી કરી બંનેની પૂછપરછ કે હેરાનગતિ નહીં કરવા પાકિસ્તાનને ચેતવણી આપી હતી. ભારતે જણાવ્યું હતું કે, ઇસ્લામાબાદમાં ભારતીય કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની છે. પાકિસ્તાન તાત્કાલિક બંને ભારતીય કર્મચારીઓને સત્તાવાર કાર સાથે ભારતીય દૂતાવાસ પહોંચાડે.
પોલીસ મથકમાં અટકાયત કરાઈ
બંને ભારતીય કર્મચારીઓને ભારતીય દૂતાવાસથી બે કિમી દૂરના પોલીસ મથકમાં અટકાયત કરીને રખાયા હતા. ૭ કલાક સુધી શોધખોળનાં નાટક પછીથી બંને ભારતીય કર્મચારીને ઇસ્લામાબાદ સેક્રેટરિએટ પોલીસ મથક ખાતે ભારતીય દૂતાવાસના બે અધિકારીને પરત સોંપાયા હતા. બંને કર્મચારીના શરીર પર ઇજાનાં નિશાન હતાં. ભારતીય દૂતાવાસ દ્વારા બંને કર્મચારીની મેડિકલ તપાસ કરાવવાનું પણ જાહેર કરાયું છે. આ સંપૂર્ણ ઘટના પાછળ આઇએસઆઇનો દોરીસંચાર હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાના ૩ કર્મચારી અને રેલવેના એક અધિકારી પાસેથી ભારતીય દળોની હિલચાલની માહિતી મેળવવાના પ્રયાસના આરોપસર દિલ્હી પોલીસે પાકિસ્તાન હાઇકમિશનના ૩ કર્મચારી આબિદ હુસેન, મોહમ્મદ તાહિર ખાન અને ડ્રાઇવર જાવેદ હુસેનની અટકાયત કરી હતી અને ૩૧મી મેએ તેમને દેશનિકાલ કરાયા હતા. એ પછીથી પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના કર્મચારી રાજદૂત ગૌરવ આહલુવાલિયા પર સતત નજર રખાતી હતી જેનો ભારતે આકરો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે પાકિસ્તાનને જણાવ્યું હતું કે, તેનું વલણ વિયેના કરારનું ઉલ્લંઘન છે. તે ઉપરાંત ૧૯૯૨માં ભારત - પાકિસ્તાન વચ્ચે ૧૯૯૨માં થયેલા કરારનું પણ પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાનું ભારતે જણાવ્યું છે.