ઇસ્લામાબાદઃ પાકિસ્તાની કન્યા સાથે ઓનલાઈન મિત્રતા બાદ તેને મળવા માટે ગેરકાયદે પાકિસ્તાન પહોંચી ગયેલા ભારતીય નાગરિક હામિદ અન્સારીને સોમવારે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયો છે. હામિદની છ વર્ષ બાદ વતનવાપસીના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કોર્ટે ત્યાંની સરકારને હામિદની સજા પૂરી થવા પર તેને સ્વદેશ પાછો મોકલવાની ઔપચારિકતા પૂરી કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો. હામિદની સજાની ૧૫મી ડિસેમ્બરે પૂરી થઈ હતી. મુંબઈમાં રહેતો હામિદ નિહાલ અન્સારી (ઉ. વ. ૩૩) પેશાવર સેન્ટ્રલ જેલમાં કેદ હતો. તેને સૈન્ય અદાલતે બોગસ પાકિસ્તાની ઓળખપત્ર રાખવાના આરોપમાં ૧૫મી ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. અફઘાનિસ્તાનથી પાકિસ્તાન ગેરકાયદે રીતે જવા પર ૨૦૧૨માં તેની ધરપકડ થઈ હતી. કથિતરૂપે પાકિસ્તાનની એક કન્યાને મળવા પાકિસ્તાન ગયો હતો. એની સાથે હામિદને ઓનલાઈન મિત્રતા થઈ હતી. તેની ફેસબુક સ્ત્રીમિત્રએ હામિદને બનાવટી ઓળખપત્ર મોકલ્યું હતું.
હામિદ અન્સારીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી અને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. જોકે આંતરિક મંત્રલયે હામિદને ૧૫મી ડિસેમ્બરે છોડી મૂકવાની ખાતરી આપતા આ વર્ષે ઓગસ્ટમાં સજામાં છૂટ માગતી હામિદની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.