રાવલપિંડીઃ પાકિસ્તાનની સરકારી વિમાની સેવા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)માં હવે વીઆઇપી કલ્ચર પર પ્રતિબંધ મુકાયો છે. એરલાઇન્સે સરકારી અને બિનસરકારી અધિકારીઓ માટે બધા જ પ્રોટોકોલ અને અસાધારણ સુવિધાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઇએના અધ્યક્ષ એર માર્શલ અર્શદ મલિકે એરલાઇન્સમાં તમામ સ્તર પર નિયમિત પ્રક્રિયાનું જ પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. પીઆઇએના અધ્યક્ષ અને સીઇઓને પણ હવે પ્રોટોકોલ અને અસાધારણ સુવિધાઓ નહીં અપાય. મીડિયા રિપોર્ટ મુજબ એરલાઇન્સે ખર્ચમાં કાપની પહેલ કરી છે. કેબિન ક્રૂની સુવિધા માટે અનામત કર્મચારીઓને હટાવીને તેમને દેશના એરપોર્ટ પર અન્ય સામાન્ય કાર્યો પર નિયુક્ત કરાયા છે.