બેલારુસ: આ ધરતી પર એવા ઘણા કલાકારો છે, જેઓ પોતાની અદભુત કલાના માધ્યમથી સહુ કોઇને મંત્રમુગ્ધ કરી દે છે. બેલારુસનો ઈવાન કાર્પિત્સ્કાય એક એવો જ કલાકાર છે જેણે પોતાની કલાના એવા અદભુત નમૂનાનું સર્જન કર્યું છે કે તેને જોઈને સહુ કોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે.
વાત એમ છે કે આઇસ સ્કલ્પચર બનાવવાના જાણકાર ઇવાને એક આઈસ બોટ બનાવી છે જે જોવામાં ખૂબ જ સુંદર છે. નવાઈની વાત એ છે કે આ કલાકારે બરફની આ હોડી એકલપંડે બનાવી છે અને તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત તો એ છે કે તેણે આવી અદ્ભુત કલાત્મકતા જાતમહેનત વિકસાવી છે. અને હા, એ પણ જાણી લો કે બરફથી બનેલી આ બોટ માત્ર દેખાડો કરવાનો શો-પીસ નથી, પરંતુ તેમાં બેસીને પાણીમાં ફરી પણ શકાય છે.
સામાન્ય સંજોગોમાં પાણીમાં બરફનો એક નાનો ટુકડો નાંખો તો પણ તે ઓગળવા લાગે છે, પણ ઈવાને આ બોટને એ પ્રકારે બનાવી છે કે તે પાણીમાં તરી શકે છે. તેમાં એકથી બે લોકો આરામથી બેસી શકે છે, અને પાણીમાં સહેલ માણી શકે છે.