પાયલ કાપડિયાએ કાન્સમાં ગ્રાન્ડ પ્રિક્સ જીતી ઈતિહાસ રચ્યો

Wednesday 29th May 2024 07:57 EDT
 
 

ભારતની પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ તે આ એવોર્ડ મેળવનારી પહેલી ભારતીય ફિલ્મ સર્જક બની છે. કોઈ ભારતીયની અને તે પણ મહિલા દિગ્દર્શકની ફિલ્મ આ ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધામાં પહોંચી હોય તેવું ત્રણ દસકામાં પહેલીવાર બન્યું છે. કાન્સમાં પામ દ ઓર એવોર્ડ પછી ગ્રાન્સ પ્રિક્સ બીજો ટોચનો એવોર્ડ ગણાય છે. શનિવારે રાત્રે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમયે અમેરિકાના દિગ્દર્શક સિએન બેકરને તેમની ફિલ્મ ‘અનોરા’ માટે પામ દ ઓર એવોર્ડ એનાયત થયો હતો.

પાયલની ફિલ્મનું સ્ક્રિનિંગ 23 મેની રાતે થયું હતું. કોઈ ભારતીય અને તે પણ મહિલા દિગ્દર્શકની ફિલ્મ આ ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધા સુધી પહોંચી હોય તેવું પણ 30 વર્ષમાં પહેલીવાર બન્યું હતું. આ પહેલાં છેલ્લે 1994માં શાજી એન. કુરુનની ફિલ્મ ‘સ્વહમ’ આ સ્પર્ધામાં પહોંચી હતી.
પાયલને અમેરિકી એક્ટર વીઓલા ડેવિસના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. પાયલે એવોર્ડ સ્વીકારતી વખતે ફિલ્મની ત્રણ મુખ્ય હિરોઈનો કાની કુશ્રુતિ, દિવ્યા પ્રભા તથા છાયા કદમનો આભાર માન્યો હતો. પાયલે કહ્યું હતું કે આ અભિનેત્રીઓની પ્રતિભા અને મહેનત વિના આ એવોર્ડ મેળવવાનું શક્ય ન હતું. પાયલે એમ પણ કહ્યું હતું કે હવે ભારતની કોઈ ફિલ્મને આ સ્તરે પહોંચતાં બીજાં 30 વર્ષ ન લાગી જાય તેવી તેની અંતરની ઈચ્છા છે. આપણો સામાજિક ઢાંચો એવી રીતનો રચાયો છે કે સ્ત્રીઓ એકબીજાની પ્રતિદ્વંદી બનીને રહી જાય છે. જોકે, આ ફિલ્મમાં એકમેકની સખી એવી સ્ત્રીઓની વાત છે. પાયલે પોતાના પ્રવચન દરમિયાન ફેસ્ટિવલમાં વધુ સારા વેતન તથા સન્માન માટે આંદોલન કરી રહેલા ફેસ્ટિવલના કર્મચારીઓને સમર્થન પણ જાહેર કર્યું હતું.
આઠ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મેળવનારી ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’માં પ્રભા નામની એક નર્સની વાર્તા છે. પ્રભાને લાંબા સમયથી તેનાથી વિખૂટા રહેતા પતિ દ્વારા એક અણધારી વસ્તુ ભેટ સ્વરૂપે મળે છે. તેના કારણે તેની જિંદગીમાં ભારે ઉથલપાથલ મચી જાય છે. બીજી તરફ તેની યુવાન રૂમમેટ અનુ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે મોટાં શહેરમાં એક ખાનગી જગ્યા શોધવા પ્રયાસ કરી રહી હોય છે. આ બંને નર્સ એક વાર એક બીચ પર રોડ ટ્રીપમાં જાય છે. ત્યાં તેઓ એક ગાઢ વનમાં પહોંચે છે અહીં તેમને સ્ત્રી તરીકેનું પોતાનું અસ્તિત્વ, મૈત્રી તથા સ્વતંત્રતા અને આકાંક્ષાઓ અને સપનાં સહિતના અનેક મુદ્દાઓ બાબતે સાચો અહેસાસ થાય છે.
આ ફિલ્મને સ્ક્રિનિંગ વેળા આઠ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ફિલ્મ ટોચના એવોર્ડની સૌથી પ્રબળ દાવેદાર બની ચૂકી છે.

મુંબઈ-પૂણેમાં અભ્યાસ, કાન્સમાં બીજો એવોર્ડ
પાયલ કાપડિયા મૂળ મુંબઈની છે. તેમણે અહીં અહીં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કર્યું હતું. તેની માતા નલિની ભારતનાં ફર્સ્ટ જનરેશન વીડિયો આર્ટિસ્ટ છે અને તેમના પગલે પાયલને પણ ફિલ્મમેકિંગમાં રસ પડ્યો હતો. આથી પાયલે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયા (એફટીટીઆઈ)માં પ્રશિક્ષણ મેળવ્યું. પાયલે પોતાની કારકિર્દી રિસર્ચ ફિલ્મોથી શરૂ કરી હતી. તેમણે સૌ પહેલાં ‘વોટરમેલન, ફિશ એન્ડ ઘોસ્ટ’ ફિલ્મ બનાવી હતી. બાદમાં ‘આફ્ટરનૂન ક્લાઉડસ’ અને ‘લાસ્ટ મેંગો બીફોર મોનસૂન’ જેવી ફિલ્મોથી નામના મેળવી હતી. પાયલને આ પહેલાં પણ 2021માં કાન્સ ફેસ્ટિવલમાં તેની ડોક્યુમેન્ટ્રી ‘અ નાઈટ ઓફ નોઇંગ નથિંગ’ માટે ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો.

નેતાઓ - ફિલ્મી હસ્તીઓનાં અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયલને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવવા બદલ પાયલ માટે ભારત ગર્વ અનુભવે છે. એફટીટીઆઈની ભૂતપૂર્વ વિદ્યાર્થિની પાયલ વૈશ્વિક મંચ પર ઝળકતી રહેશે અને ભારતની સમૃદ્ધ સર્જનાત્મકતાની ઝાંખી કરાવતી રહેશે. આ પ્રતિષ્ઠિત સન્માનથી તેની અજોડ ક્ષમતાઓની કદર થઈ છે. એટલુ જ નહીં, પરંતુ ભારતીય ફિલ્મ સર્જકોની નવી પેઢીને પ્રેરણા પણ મળી છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પાયલની સિદ્ધિને વધાવી હતી. આલિયા ભટ્ટ, કિયારા, અદિતી રાવ હૈદરી, મોહનલાલ અને મામુટી સહિતની હસ્તીઓએ પાયલની આ સિદ્ધિને વધાવતાં અભિનંદન પાઠવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter