વારાણસીઃ ત્રિદિવસીય ભારતીય પ્રવાસી સંમેલનનો સોમવારે આરંભ થયો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વારાણસીના ટ્રેડ ફેસિલિટી સેન્ટરના અટલ સભાગૃહમાં દીપ પ્રગટાવીને સમારંભનું ઉદઘાટન કર્યું હતું. આ વખતનું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ખાસ છે કારણ કે આ વખતે રજિસ્ટ્રેશનનો રેકોર્ડ પણ તૂટ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથ દ્વારા પ્રવાસી કુંભનું ઉદઘાટન થયું હતું. સમારંભમાં નવ રાજ્યોના મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેવાનું વડાપ્રધાન કચેરી દ્વારા જણાવાયું હતું.
ભારત અને મોરેશિયસ વડા પ્રધાનની ઉપસ્થિતિ
સંમેલનના બીજા દિવસે મંગળવારે વડા પ્રધાન મોદી સાથે મોરેશિયસનાં વડા પ્રધાન પ્રવીણ જગન્નાથ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
વડા પ્રધાને કહ્યું કે, આ સંમેલનની શરૂઆત અટલજીએ કરી હતી, પરંતુ તેમના ગયા બાદ પહેલીવાર આ કાર્યક્રમ દિલ્હી બહાર થયો અને તેનું સ્વાગત પણ થઇ રહ્યું છે. વડા પ્રધાને કહ્યું કે, બહાર રહીને પણ તમે બધા દેશની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છો. તમે બધા ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છો.
મોદીએ કહ્યું કે, હું એક વડા પ્રધાન તરીકે ઉપરાંત કાશીનો સાંસદ હોવાના નાતે તમારું સ્વાગત કરુ છું. આ દરમિયાન તેમણે ટુમકુરનાં સિદ્ધગંગા મઠના સ્વામીના નિધન અંગે પણ શોક વ્યક્ત કર્યો હતો.
સ્વ. રાજીવ ગાંધી પર નિશાન
મોદીએ આ સમિટમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામે કોંગ્રેસ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે, તમારામાંથી જ અનેક લોકોએ અમારા દેશના એક પૂર્વ વડા પ્રધાનની ભ્રષ્ટાચાર મુદ્દે કહેલી વાત સાંભળી હશે.એક પૂર્વ વડા પ્રધાને સ્વીકાર કર્યો હતો કે એક રૂપિયો જ્યારે દિલ્હીથી મોકલવામાં આવે છે તો માત્ર ૧૫ પૈસા જ જનતા સુધી પહોંચે છે. મોદીએ કહ્યું કે, સમસ્યાને જાણીને કોંગ્રેસ સરકારોએ કંઇ જ નથી કર્યું. તેમણે કહ્યું કે, તેમની સરકારે વ્યવસ્થામાં પરિવર્તન લાવીને રૂ. સાડા ચાર લાખ કરોડ બચાવ્યા છે.
આટલા વર્ષ સુધી દેશ પર એ પાર્ટીએ શાસન કર્યું હતું કે જેણે દેશને નબળી વ્યવસ્થા આપી હતી. વળી સચ્ચાઇનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો. અફસોસ એ રહ્યો કે ત્યારબાદ પોતાનાં ૧૦-૧૫ વર્ષનાં શાસનમાં પણ આ લૂંટફાટને અને લીકેજને બંધ કરવાનો પ્રયાસ એ સરકારે ન કર્યો. દેશનો મધ્યમ વર્ગ ઇમાનદારીથી ટેક્સ આપતો રહ્યો અને જે પાર્ટી આટલા વર્ષો સુધી સત્તામાં રહી, તે આ ૮૫ ટકાની લૂંટને જોવા છતાં વણદેખ્યું કરતી રહી. અમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ૮૫ ટકાની લૂંટને ૧૦૦ ટકા ખતમ કરી દીધી છે.
મુખ્ય થીમ ‘ન્યૂ ઇન્ડિયા’
તેમણે કહ્યું કે, ૧૫મા પ્રવાસી ભારતીય દિવસની મુખ્ય થીમ ‘ન્યૂ ઇન્ડિયા’ રખાઇ છે. આજે વિશ્વનાં અનેક દેશોના પ્રમુખના મૂળિયા ભારતમાં છે. પહેલા લોકો કહેતા કે ભારત બદલી શકે નહીં, પરંતુ અમે આખી વિચારસરણી જ ફેરવી નાંખી છે. આજે ભારત અનેક મુદ્દે વિશ્વની આગેવાની કરી રહ્યું છે. તેથી આ સંમેલનની મુખ્ય થીમ ‘ન્યૂ ઇન્ડિયા’ રખાઈ છે. આ દરમિયાન વડા પ્રધાને પોતાના કાર્યકાળમાં તેમની સરકાર દ્વારા ચલાવાયેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને સરકારની મહત્ત્વની ઉપલબ્ધિઓ પણ જણાવી હતી.
વિશ્વમાં ભારતની પ્રસિદ્ધિઃ યોગી
અગાઉ સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારતની ચર્ચા છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ જ્યારે ઉત્તર પ્રદેશ સૌથી યુવા રાજ્ય છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, ભારતીયોનો પાસપોર્ટ જ તેમનું સુરક્ષા કવચ બન્યો છે. એક જ ટ્વિટ દ્વારા ભારતીયોને વિદેશમાં ગમે ત્યાં મદદ કરવા સજ્જ હોઈએ છીએ.
સમારંભનું ઉદઘાટન કર્યા પછી યોગી આદિત્યનાથ અને સુષ્મા સ્વરાજે ઉત્તર પ્રદેશના આઠ પ્રવાસી ભારતીયોને ઉત્તર પ્રદેશ રત્નથી સન્માનિત પણ કર્યા હતા. પ્રવાસી ભારતીય દિવસ અંતર્ગત જ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં યુવા પ્રવાસી કુંભનું પણ આયોજન થયું હતું. યુવા પ્રવાસીઓએ સાંજના સમયે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. ભારતીય પ્રવાસી દિવસ નિમિત્તે બપોરનું ભોજન કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ તરફથી તો રાત્રિભોજન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તરફથી આયોજિત થયું હતું.
એરપોર્ટ પર ભીડ જામી
પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે રવિવારે સવારથી જ બાબતપુર એરપોર્ટ પર પ્રવાસી ભારતીયોનો પહોંચવાનો સિલસિલો શરૂ થયો હતો. વિશ્વના તમામ દેશોમાંથી અંદાજે ૧૦૦૦ પ્રવાસી ભારતીયો આવી પહોંચતાં એઢે ગામના ૪૨ હેક્ટર વિસ્તારમાં તૈયાર થયેલી ટેન્ટ સિટી જીવંત બની રહી હતી.
બુકલેટ પર પ્રધાન તરીકે અકબરનું નામ!
વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત થઇ, પરંતુ કાર્યક્રમના પહેલા દિવસે જ વિવાદ થયો હતો. આયોજકોએ વહેંચેલી ફોટો બુકલેટમાં પૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરનું નામ જ નહીં ફોટો પણ છપાયેલો છે! આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઇ રહી છે. અહીં દુનિયાભરથી આવેલા પ્રતિનિધિમંડળને એક બુકલેટ વહેંચવામાં આવી રહી છે, જેમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવાઇ છે.
આ બુકલેટમાં એમ. જે. અકબરને હજુ પણ વિદેશ રાજ્ય પ્રધાન તરીકે ગણાવાયા છે. આ બુકલેટના કવર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, વિદેશ રાજ્ય પ્રધાન વી. કે. સિંહની સાથે પૂર્વ પ્રધાન એમ. જે. અકબરની તસવીર છપાઇ છે.
૨૦૧૬માં એમ. જે. અકબરે વિદેશ રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, પરંતુ વર્ષ ૨૦૧૮માં #મીટુ મૂમેન્ટ દરમિયાન મહિલા પત્રકારોએ અકબર પર યૌનશોષણનો આરોપ લગાવ્યા બાદ તેમણે આ પદ છોડયું હતું.