નવી દિલ્હી: વિશ્વના સૌથી સારા અને ખરાબ પાસપોર્ટ ધરાવતા દેશોની એક યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી ખરાબ પાસપોર્ટવાળા દેશોની યાદીમાં પાકિસ્તાનનું ૧૦૮મા ક્રમે છે. જ્યારે ભારતે તેની રેન્કિંગમાં સાત સ્થાનના સુધારા સાથે ૮૩મો ક્રમ મેળવ્યો છે. ગયા વર્ષે ભારત ૯૦મા ક્રમે હતું.
હૈનલે પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર પાકિસ્તાની પાસપોર્ટ સતત ત્રીજા વર્ષે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે ચોથા સૌથી ખરાબ સ્થાને છે. ૨૦૨૨ની યાદી અનુસાર પાકિસ્તાની નાગરિક પોતાના પાસપોર્ટ સાથે ફક્ત ૩૧ દેશોમાં વિઝા વિના ફ્રી યાત્રા કરી શકે છે. જ્યારે ભારતીય પાસપોર્ટધારકો ૬૦ દેશોનો વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.
હૈનલે પાસપોર્ટ ઈન્ડેક્સ ૨૦૦૬થી દુનિયાના તમામ દેશોના પાસપોર્ટ્સને રેન્કિંગ આપે છે. કોઇ પણ વ્યક્તિ જે તે દેશના પાસપોર્ટના આધારે કેટલા દેશોનો વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે તે બાબતને કેન્દ્રસ્થાને રાખીને રેન્કિંગ નક્કી કરાય છે. દેશોની સંખ્યા જેટલી વધુ તેટલું રેન્કિંગ સારું. પાકિસ્તાનના પાસપોર્ટને ૧૦૮મું સ્થાન મળ્યું છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર દુનિયા ભલે કોરોના મહામારીનો સામનો કરી રહી હોય, પરંતુ જાપાન અને સિંગાપોર વર્ષ ૨૦૨૨ માટે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં નંબર વન સ્થાને છે. આ બંને દેશોના પાસપોર્ટધારક નાગરિકો ૧૯૨ દેશોનો વિઝા વિના પ્રવાસ કરી શકે છે. રિપોર્ટ અનુસાર ૧૯૦ના સ્કોર સાથે સાઉથ કોરિયા અને જર્મની બીજા ક્રમે છે. જ્યારે ભારતે પોતાની રેન્કિંગમાં સુધારો કર્યો છે અને ભારતીય નાગરિકો હાલ ૬૦ દેશોમાં વિઝા વિના જઈ શકે છે.