બેંગ્લૂરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના રંગને નહીં, લોહીના સંબંધને વિશેષ મહત્ત્વ આપે છે. ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત આશરે ૬૦૦૦થી વધુ વિદેશવાસી ભારતીયોને સંબોધતા તેમણે પ્રવાસી ભારતીયની સુરક્ષાથી માંડીને બ્રેઇન-ડ્રેઇનને બ્રેઇન-ગેઇનમાં બદલવાના મુદ્દાઓ પર ભાષણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવમી જાન્યુઆરીએ ૩૦ NRIનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
૧૪મા પ્રવાસી ભારતીય સંમેલનના મુખ્ય અતિથિ પદે પોર્ટુગલના ભારતવંશી વડા પ્રધાન એન્તોનિયો કોસ્તા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વિશ્વના ખૂણેખૂણામાં વસતાં ભારતીયો જોવા મળતા હતા. ૨૦૦૩માં વાજપેયી સરકારે પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત કરી હતી. ઉલ્લેનીય છે કે મહાત્મા ગાંધી ૯ જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા હતા અને સ્વાતંત્ર્ય ચળવળને સબળ નેતૃત્વ પૂરું પાડીને દેશને આઝાદીના પંથે દોરી ગયા હતા. મહાત્મા ગાંધીના આ સ્વદેશાગમનની સ્મૃતિમાં ૯ જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે.
વડા પ્રધાને દેશના આર્થિક વિકાસમાં વિદેશવાસી ભારતીયોના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા કહ્યું હતું કે ભારતીયોએ ૬૯ બિલિયન ડોલરનું અનોખું યોગદાન આપ્યું છે. તો સાથોસાથ એમ પણ કહ્યું હતું કે અમે દેશમાંથી વિદેશમાં જતી પ્રતિભાઓને દેશમાં પાછી લાવવા માગીએ છીએ.
તેમણે સંબોધનમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)થી લઈને નોટબંધી સુધીના મુદ્દાઓને આવરી લીધા હતા. મોદીએ વિદેશમાં વસતાં ભારતીયોને તેમના પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઈઓ)નાં કાર્ડ ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા(ઓસીઆઈ)માં બદલવા કહ્યું હતું. અગાઉ આ કાર્ડ બદલવાની મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ હતી, તે વધુ છ મહિના લંબાવીને ૩૦ જૂન, ૨૦૧૭ કરી છે. આ જાહેરાત અનુસાર આ નવી મુદત સુધી અરજદાર પાસેથી કોઇ પેનલ્ટી લેવામાં આવશે નહીં.
મોદીએ ભ્રષ્ટાચાર અને બ્લેક મની સામેની સરકારની લડાઈમાં સાથ આપનાર વિદેશવાસી ભારતીયોનો મોદીએ આભાર માન્યો હતો. મોદીએ પ્રવાસી ભારતીયોને કહ્યું હતું કે તમારાં સપનાં એ અમારાં સપનાં છે અને ૨૧મી સદી ભારતની સદી છે. દેશની વિકાસયાત્રામાં પ્રવાસી ભારતીયો સાચા અર્થમાં સહભાગી છે.
મોદીએ કહ્યું હતું કે ભારતનાં લોકોની અને ભારત સરકારની એ પરંપરા રહી છે કે તેઓ ક્યારેય પાસપોર્ટનો રંગ નથી જોતાં, પણ લોહીના સંબંધોને વધારે મહત્ત્વ આપે છે. મોદીએ નોટબંધી અંગે કહ્યું કે ભ્રષ્ટાચાર અને બ્લેક મનીએ આપણા સમાજને ખોખલો કર્યો છે. રાજકારણમાં કેટલાંક લોકો બ્લેક મનીના ઉપાસકો છે તે આપણું દુર્ભાગ્ય છે. મોદીએ બ્લેક મનીના આવા રાજકીય પૂજારીઓને ઝાટક્યા હતા.
ભારતના વિકાસની ભરપૂર તમન્ના
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આજના દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. આ એક એવું પર્વ છે જ્યારે કોઈ વ્યક્તિ દેશ-વિદેશમાં રહેતાં તેમનાં સંતાનોને મળે છે. પ્રવાસી ભારતીયોની મહેનત, શિસ્તપાલન અને શાંતિપ્રિયતા અન્ય પ્રવાસીઓ માટે અનેરી મિસાલ છે.
મોદીએ કહ્યું કે તેઓ વિદેશમાં અનેક દેશોમાં ફર્યા છે અને જોયું છે કે પ્રવાસી ભારતીયો ભારતમાં સામાજિક અને આર્થિક બદલાવમાં તેમનું યોગદાન આપવા તત્પર છે. તેઓ દેશના વિકાસની ભરપૂર તમન્ના ધરાવે છે.
વિશ્વમાં ક્યાંય પણ ભારતીયને ભારતની નજીક હોવાનો અહેસાસ
વિદેશમાં વસતાં ભારતીયોની સુરક્ષા અને કલ્યાણ એ ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતીય દૂતાવાસ આ માટે રસ લઈને સક્રિયતાથી કામ કરે અને ૨૪ કલાક એનઆરઆઈની મદદ માટે તત્પર રહે તેવી મારી ઇચ્છા છે.
કોઈ પણ ભારતીય વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતો હશે તો પણ તેને ભારતની નજીક હોવાનો અહેસાસ થશે. ભારતીય લોકો માટે સતત કામ કરતા અને તેમની ચિંતા કરતા વિદેશપ્રધાન સુષમા સ્વરાજનાં તેમણે વખાણ કર્યાં હતાં. યમનમાં ફસાયેલાં ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે વિદેશ મંત્રાલય અને ઇંડિયન આર્મીએ બજાવેલી કામગીરીનાં પણ તેમણે વખાણ કર્યાં હતાં.
વિદેશમાં ભારતીય કે જેઓ સાયન્ટિફિક ક્ષેત્રે સારું જ્ઞાન ધરાવે છે તેઓ તેમના નિષ્ણાત જ્ઞાનની વજ્ર જેવા કાર્યક્રમો દ્વારા કેવી રીતે વહેંચણી કરી શકે તેનું નિરુપણ વડા પ્રધાને કર્યું હતું.
પ્રવાસી કૌશલ વિકાસ યોજના
ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે પ્રવાસી કૌશલ વિકાસ યોજના શરૂ કરવામાં આવશે. જેઓ વિદેશોમાં નોકરીની તક શોધી રહ્યા છે તેવા ભારતીય માટે આ સ્કીમ શરૂ કરાશે. મોદીએ કહ્યું કે એફડીઆઈનો અર્થ ફક્ત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જ નથી, પણ ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા પણ છે.
૩૦ NRIનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન
૧૪મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અંતર્ગત નવમી જાન્યુઆરીએ ૩૦ ભારતીય મૂળના લોકોનું સન્માન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા થયું હતું. એનઆરઆઈને PBD સન્માન એનાયત થયા તેમાં સૌથી વધુ એવોર્ડ ભારતીય અમેરિકનોને પ્રાપ્ત થયા હતા. અમેરિકાના છ એનઆરઆઈને એવોર્ડ અપાયા હતા. જોકે સૌ પ્રથમ એવોર્ડ પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયા લુઈસ ડા કોસ્ટાને તેમના જીવનકાળની જાહેર સેવા માટે અપાયો હતો.
આ કાર્યક્રમમાં યુકે અને બ્રિટનના એક-એક ભારતીયને એવોર્ડ એનાયત થયા હતા. જ્યારે બાકીના ૨૦ દેશોના એક એક ભારતીયને એવોર્ડ અપાયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, કેનેડા, ઈઝરાયલ, લિબિયા, ફિજી, બ્રુનેઈ, સિંગાપોર, પોર્ટુગલ અને અન્ય દેશના NRIને આ એવોર્ડ એનાયત કરાયા હતા.
વડા પ્રધાનના પ્રવચનના અંશો
• વિદેશવાસી ભારતીયોને તેમના પીઆઈઓ કાર્ડ ઓસીઆઈમાં બદલવા અનુરોધ.
•કાર્ડ બદલવાની મુદત વધુ છ માસ લંબાવીને ૩૦ જૂન ૨૦૧૭
• ભ્રષ્ટાચાર અને બ્લેક મની સામે લડવા વિદેશવાસી ભારતીયોના સમર્થનની પ્રશંસા
• ભ્રષ્ટાચાર અને બ્લેક મનીએ સમાજને ખોખલો કર્યો છે. રાજકારણમાં કેટલાંક લોકો કાળા નાણાંનો ઉપાસક છે તે આપણું દુર્ભાગ્ય.
પ્રવાસી ભારતીય દિવસ સન્માન
૧. ડો. ગોરુર ક્રિશ્ના હરિનાથ (ઓસ્ટ્રેલિયા, કમ્યુનિટી સર્વિસ)
૨. રાજશેખરન પિલ્લાઈ વલવુર કિડકથ્થી (બહેરિન, બિઝનેસ)
૩. એન્ટવર્પ ઈન્ડિયન એસોસિએશન (બેલ્જિયમ, કમ્યુ. સર્વિસ)
૪. નાઝિર અહેમદ મહોમ્મદ ઝાકિરિયાહ (બ્રુનેઈ, કમ્યુ. સર્વિસ)
૫. મુકુંદ બી. પુરોહિત (કેનેડા, બિઝનેસ)
૬. નવિનકુમાર એસ. કોઠારી (જીબૌતી, કમ્યુ. સર્વિસ)
૭. વિનોદચંદ્ર પટેલ (ફિજી, સોશિયલ સર્વિસ)
૮. રઘુનાથ મેરી એન્ટોનિન મેનેટ (ફ્રાન્સ, આર્ટ/કલ્ચર)
૯. ડો. લિએલ એન્સોન ઈ. બેસ્ટ (ઈઝરાયલ, મેડિકલ સાયન્સ)
૧૦. ડો. સંદીપકુમાર ટાગોર (જાપાન, આર્ટ/કલ્ચર)
૧૧. અરિફુલ ઈસ્લામ (લિબિયા, કમ્યુ. સર્વિસ)
૧૨. તનશ્રી ડેટો ડો. મુનિએન્ડી થમ્બીરજા (મલેશિયા, એજ્યુ. એન્ડ કમ્યુ. સર્વિસ)
૧૩. શ્રી પ્રવીન્દકુમાર જુગનાથ (મોરેશિયસ, પબ્લિક સર્વિસ)
૧૪. એચ.ઈ. મિ. એન્ટોનિયો લુઈસ સેન્ટીસ ડા કોસ્તા (પોર્ટુગલ, પબ્લિક સર્વિસ)
૧૫. ડો. રાઘવન સીથારામ (કતાર, બિઝનેસ મેનેજમેન્ટ)
૧૬. ઝીન્નત મુસરત જાફરી (સા. અરેબિયા, એજ્યુકેશન)
૧૭. સિંગોપર ઈન્ડિયન એસો. (સિંગાપોર, કમ્યુ. સર્વિસ)
૧૮. ડો. કેરાની બાલારામ સંજીવી (સ્વીડન, મેડિસીન)
૧૯. સુશીલકુમાર શરાફ (થાઈલેન્ડ, બિઝનેસ)
૨૦. વિનસ્ટોન ચંદરભાન દુકેરાન (થાઈલેન્ડ - ટોબાગો પબ્લિક સર્વિસ)
૨૧. વાસુદેવ શામદાસ શ્રોફ (યુએઈ, કમ્યુ. સર્વિસ)
૨૨. ઈન્ડિયન સોશિયલ એન્ડ કલ્ચરલ સેન્ટર અબુધાબી (યુએઈ, કમ્યુ. સર્વિસ)
૨૩. બ્રિટિશ કેબિનેટ પ્રધાન પ્રીતિ પટેલ (યુકે, પબ્લિક સર્વિસ)
૨૪. નીના ગિલ (યુકે, પબ્લિક સર્વિસ)
૨૫. હરિબાબુ બિન્દાલ (યુએસએ, એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગ)
૨૬. ડો. ભરત હરિદાસ બારાઈ (યુએસએ, પબ્લિક અફેર્સ)
૨૭. નિશા દેસાઈ બિસ્વાલ (યુએસએ, પબ્લિક અફેર્સ)
૨૮. ડો. મહેશ મહેતા (યુએસએ, કમ્યુ. સર્વિસ)
૨૯. રમેશ શાહ (યુએસએ, કમ્યુ. સર્વિસ)
૩૦. ડો. સંપતકુમાર શીદ્રામ્પા શિવાંગી (યુએસએ, કમ્યુ. લીડરશીપ)