બોઆ વિસ્ટા (બ્રાઝિલ)ઃ બ્રાઝિલમાં દુનિયામાં ભાગ્યે જ ક્યાંય જોવા મળે તેવો ઘટનાક્રમ નોંધાયો છે. આને તમે એક દીકરીનું પિતૃતર્પણ પણ કહી શકો. એક પોલીસ અધિકારી પુત્રીએ 25 વર્ષ પહેલા તેના પિતાની હત્યા કરનાર આરોપીને ઝડપીને જેલહવાલે કર્યો છે.
પિતાની હત્યા વેળા પુત્રી માત્ર નવ વર્ષની હતી. આ ઘટનાએ તેને બહુ જ માનસિક આઘાત પહોંચાડ્યો. અધૂરામાં પૂરું, પોલીસ પણ હત્યારાને પકડી પાડવામાં નિષ્ફળ રહી. આ ઘટનાના પગલે પિતાના હત્યારાને પકડવા માટે દીકરીએ પોલીસ અધિકારી બનવાનો દૃઢ સંકલ્પ કર્યો. અને 25 વર્ષ પછી તે સાકાર પણ કર્યો.
આ કિસ્સો બ્રાઝિલના બોઆ વિસ્ટા શહેરનો છે. 16 ફેબ્રુઆરી 1999એ ગિવાલ્ડો જોસ વિસેન્ટ ડે દેઉસની ગોળી મારીને હત્યા કરાઇ હતી. હત્યારો ગોમ્સ ઘટનાસ્થળ પરથી ભાગી ગયો. તેના નામથી ધરપકડ વોરંટ જારી થવા છતાં પોલીસ તેને પકડી નહોતી શકતી. જે સમયે ગિવાલ્ડોની હત્યા થઈ હતી તે સમયે ગિસ્લેન સિલ્વા ડી દેઉસ નવ વર્ષની હતી. તેણે હત્યારાને કોઈ પણ સ્થિતિમાં પકડવા અને સજા અપાવાનું નક્કી કર્યું. હાઈસ્કૂલ પાસ કર્યા પછી તેણે લો સ્કૂલ જોઈન કરી અને કેટલાક દિવસો સુધી કાયદાની પ્રેક્ટિસ કરી. 2022માં તેણે લો કરિયર છોડીને પોલીસ અધિકારીની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. 19 જુલાઈ 2024ની પોલીસ પરીક્ષા પાસ કરી અને પોલીસ અધિકારી તરીકે નિમણૂંક મેળવી. પોલીસ અધિકારી બન્યાના બે જ મહિનાની અંદર તેણે તેના પિતાના હત્યારા ગોમ્સની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા હતો. ગોમ્સ હવે જેલમાં કેદ છે.