ઈસ્લામાબાદઃ કાશ્મીર મુદ્દાથી ચાલુ થયેલી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની લડાઈએ એક નવો જ વળાંક લઈ લીધો છે. ભારતે બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો એ પછી પાકિસ્તાને તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનને ડર છે કે, ભારત સરકાર પીઓકે અને બલુચિસ્ચાન જેવા મુદ્દે પાકિસ્તાની પ્રજાને ગેરમાર્ગે દોરી શકે એમ છે.
પાકિસ્તાનના મીડિયા ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટરી ઓથોરિટીએ ભારતીય ટીવી ચેનલોના ડીટીએચ સર્વિસ પ્રસારણ પર રોક લગાવી દીધી છે. પાકિસ્તાનમાં ભારતીય ટીવી ચેનલોના દર્શકોની સંખ્યા ખૂબ જ મોટી છે. ભારતીય ચેનલોનું પ્રસારણ રોકવા બદલ પાકિસ્તાને કોઈ સત્તાવાર ખુલાસો નથી કર્યો.
જોકે, પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમરા)ના વડા અબસાર આલમે જણાવ્યું છે કે, જે ટીવી ચેનલો કોડ ઓફ કન્ડક્ટનો સતત ભંગ કરી રહી છે તેમના સામે જ આ પગલાં લેવાયા છે.