ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મીર અને કલમ ૩૭૦નો રાગ આલાપ્યો છે. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે, એ હકીકત છે કે દુનિયાએ ક્યારેય કાશ્મીર પર ધ્યાન આપ્યું નથી. હોંગકોંગ પ્રદર્શનને ટીવી પર કવરેજ મળે છે, પરંતુ કાશ્મીરમાં જે થઇ રહ્યું છે, તેના પર કોઇ વાત કરતું નથી. કાશ્મીરના લોકોને નિર્ણય કરવા દો. પાકિસ્તાન જનમત લેવા માટે તૈયાર છે. તેમને જાતે જ નિર્ણય કરવા દો કે તે પાકિસ્તાનની સાથે રહેવા માગે છે કે આઝાદ થવા ઇચ્છે છે. યુરોપિયન યુનિયન અને જર્મની ભારતને રોકી શકે છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ત્યાં બધું ઠીક છે. ઇમરાને કહ્યું કે અમે નિરીક્ષકની ટીમ કાશ્મીરમાં બોલાવી શકીએ છીએ. અમારે ત્યાં ઇમાનદારીથી ચૂંટણી યોજાય છે. પરંતુ ભારતીય હિસ્સાના કાશ્મીરમાં એવું નથી.