નવી દિલ્હી: ચીને ગલવાનની લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ (એલએસી) નજીક જે સૈન્ય, શસ્ત્રો અને ટેન્ટનો જમાવડો કર્યો હતો તે એક કિલોમીટર દૂર પોતાની તરફ લઈ જવાનો નિર્ણય લીધો છે. ચીનનો આ નિર્ણય ચોક્કસપણે ભારતની કૂટનીતિ અને વૈશ્વિક પ્રભાવની જીત છે, પરંતુ ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે ખંધા ચીન પર ક્યારેય ભરોસો મૂકી શકાય નહીં.
પીછેહઠ કબૂલ કરનારા ચીન પ્રત્યે હવે ઉલ્ટાની વધુ સાવધાની દાખવવાની જરૂર છે કેમ કે ૧૯૬૨માં ચીને ૨૦ ઓક્ટોબરના રોજ ભારત જોડે આ જ ગલવાન સરહદે વિશ્વાસઘાત કર્યો હતો. ચીને ભારત સાથે યુદ્ધ જાહેર કર્યું તેના ૯૭ દિવસ પહેલા અત્યારની જેમ જ ગલવાન એલએસી પરથી પોતાનું સૈન્ય પરત ખેંચી લીધું હતું. ચીન ઘટનાક્રમનું પુનરાવર્તન કરી શકે છે તેવો ભય ભારતે સેવવો જ રહ્યો.
કેલિફોર્નિયા સ્થિત બર્કલે યુનિવર્સિટીએ પ્રકાશિત કરેલા અને સ્ટીવન હોકમેને લખેલા દસ્તાવેજી પુસ્તક 'ઇન્ડિયા એન્ડ ધ ચાઈના ક્રાઇસિસ’માં ૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ થયું તે અગાઉના ઘટનાક્રમ ટાંક્યો છે.
હોકમેન લખે છે કે ગલવાન ખીણ પ્રદેશ હડપવો તે ચીનની મેલી મુરાદના કેન્દ્રસ્થાને હતું. તે વખતે ભારતમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની (‘રો’)ની સ્થાપના નહોતી થઈ. તત્કાલિન વડા પ્રધાન નેહરુને ઇન્ટેલીજન્સ બ્યુરોએ માહિતી આપી હતી કે ચીને ઘૂસણખોરી કરી છે. તેના આધારે નેહરુએ સંરક્ષણ પ્રધાન અને લશ્કરના વડા જોડે મીટિંગ યોજીને હુકમ કર્યો હતો કે ભારતીય સેના જેમ બને તેમ ઝડપથી ગલવાનનો કબજો પરત મેળવી લે.
ભારતે ૫ જુલાઈ ૧૯૬૨ના રોજ ચીનની સરહદે અસર થાય તેમ તમામ સંદેશવ્યવહાર ખોરવી નાંખ્યો હતો તેમજ ચીનની સપ્લાય ચેઈનને પણ બ્લોક કરી દીધી હતી. બીજી તરફ, ચીને ભારતીય એક સૈનિકની સામે તેના પાંચ સૈનિક ગોઠવીને રીતસરની ઘેરાબંધી કરી દીધી.
ભારતીય સૈનાને છૂટ અપાઈ હતી કે ચીન હુમલો કરે તો તમે પણ વગર પૂછ્યે ગોળીબાર કરજો. આ તરફ ચીને આશ્ચર્યજનક રીતે ચિનગારી બનેલી ગલવાનની તે સરહદ પરથી તેમના સૈન્યોને પાછળની તરફ ખસેડી લીધા. એટલું જ નહીં, ભારતીય સૈન્ય માટે હવાઈ માર્ગે જે પુરવઠો આપવાનો હતો તે પણ આવવા દીધો અને સંધિનો ઢોંગ કર્યો.
ભારતે ચીનને બદલામાં ઓફર કરી હતી કે જો તેઓ લદ્દાખમાંથી સૈન્ય હટાવશે તો અકસાઈ ચીનના રસ્તા પરથી ચીનના નાગરિકોને આવનજાવન કરવા દઈશું.
આ ઓફરનો ચીને ઇન્કાર કર્યો અને તે પછી ૨૦ ઓક્ટોબરે ૧૯૬૨ના રોજ અચાનક હુમલો કરી દીધો. ચીને ૧૯૬૨ યુદ્ધમાં ગલવાનની પૂર્વનો વિસ્તાર પોતાને હસ્તક કર્યો, જે આજે અકસાઈ ચીન તરીકે ઓળખાય છે. હવે આ વખતે ચીન પશ્ચિમ ગલવાન પર ડોળો માંડીને બેઠું છે અને ૧૯૬૨ની જેમ જ આ વખતેય ગલવાન મોરચેથી ભારત પર સૈન્ય દબાણ વધારીને તેને પરત ખેંચ્યું છે. આશા રાખીએ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય.