પીવાના પાણીની તંગી નિવારવા એન્ટાર્કટિકાથી બરફના પહાડ લાવશે

Friday 06th July 2018 06:38 EDT
 
 

દુબઈઃ યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં પીવાના પાણીની વધતી સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક કંપનીએ અનોખી યોજના તૈયાર કરી છે. તેના મુજબ કંપની યુએઈથી અંદાજે ૧૨ હજાર કિલોમીટર દૂર એન્ટાર્કટિકાથી આઈસબર્ગ (હીમખંડ) ખેંચીને તેમને ત્યાં લઈ આવશે. આ પછી તે આઈસબર્ગને પીગળાવીને પીવાના પાણીમાં ઉપયોગમાં લેવાશે. વર્ષ ૨૦૨૦ સુધીમાં શરૂ થનારી આ યોજના પાછળ ૫ કરોડ ડોલર એટલે કે અંદાજે ૩૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અબ્દુલ્લા મોહમ્મદ સુલેમાન અલ શાહી મુજબ આ વર્ષે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ જશે. એક આઈસબર્ગને યુએઈના સમુદ્ર કિનારે લાવવામાં લગભગ એક વર્ષ લાગી જશે. આ પછી આઈસબર્ગના નાના ટુકડામાં કાપીને બોક્સમાં ભરી દેવાશે. સૂરજની ગરમીથી જ્યારે તેનો બરફ પીગળશે તો તેમાંથી નીકળનારા પાણીને એક અલગ ટેન્કમાં એકત્રિત કરી લેવાશે. ત્યાર બાદ આ પાણીને શુદ્ધ કરીને પીવાના ઉપયોગમાં લેવાશે.
એક આઈસબર્ગમાંથી સરેરાશ ૨૦ બિલિયન ગેલન પાણી કાઢી શકાય છે અને આટલું પાણી યુએઈમાં રહેતા લોકો માટે પાંચ વર્ષ સુધી પર્યાપ્ત હશે, કારણ કે ત્યાં વસતી વધુ નથી. એટલું જ નહીં, આઈસબર્ગને સમુદ્રકિનારે રખાશે તો તેનાથી ત્યાંના વાતાવરણમાં ભેજ આવશે. તેનાથી વરસાદ થવાની સંભાવના વધી જશે. અત્યાર સુધી યુએઈમાં વાર્ષિક ૧૦૦ મી.મી વરસાદ થાય છે, જે પર્યાપ્ત નથી.

ખર્ચ ઘટાડવાની યોજના

દુબઈ સ્થિત કંપની નેશનલ એડવાઈઝર બ્યૂરોએ પર્યાવરણ અને અર્થતંત્ર પર ફોકસ કરતા યુએઈ-આઈસબર્ગ યોજનાને આગળ વધારી છે. તાજેતરમાં જ આ અંગે વેબસાઈટ પણ લોન્ચ કરી છે. યોજનાનો પહેલો તબક્કો ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાના પર્થના કિનારે અથવા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં કિનારા પર પૂરો કરાશે. હાલ કંપની એવી ટેક્નિક વિકસાવી રહી છે, જેનાથી યોજનાનો ખર્ચ ઓછો થાય, યાત્રા દરમિયાન બરફ ન પીગળે અને ઓછામાં ઓછા ખર્ચે ગ્રાહકોને પાણી પૂરું પાડી શકાય.

ગ્લેશિયર ટુરિઝમ

યુએઈમાં ૨૦૧૭માં નાગરિકોને સ્વચ્છ જળ પૂરું પાડવાનું વચન અપાયું હતું. તેના હેઠળ આ યોજના શરૂ કરાઈ છે. આ યોજના મારફત યુએઈ પહેલો એવો રણપ્રદેશ પણ બની જશે જે તેના કિનારા પર ગ્લેશિયર ટુરિઝમ (ઠંડા પ્રદેશોની યાત્રા)ની રજૂઆત કરે છે. ઉલ્લેખનીય છે કે યુએઈ દુનિયાના એવા ૧૦ દેશોમાં સામેલ છે જે સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter