યુરોપમાં આતંકી હુમલાઓને અંજામ આપ્યા પછી હવે આઇએસના નિશાન પર રશિયા છે. આઇએસ દ્વારા બહાર પાડવામાં આવેલા ૯ મિનિટના વીડિયોમાં એક આતંકી કહી રહ્યો છે કે 'સાંભળો પુતિન, અમે રશિયા આવીશું અને તમને તમારા ઘરમાં જ મારીશું'
• ‘રાજનાથનું સ્વાગત કરીને કાશ્મીરીઓના ઘા પર મીઠું?’ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહને નિર્દોષ કાશ્મીરીઓની હત્યા માટે જવાબદાર ગણાવતા આતંકી સંગઠન જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઇદે ચેતવણી આપી છે કે જો રાજનાથ સાર્ક મંત્રણામાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ આવશે તો સમગ્ર પાકિસ્તાનમાં દેખાવો કરવામાં આવશે. હાફિઝ સઇદે એક નિવેદનમાં કહ્યું કે હું પાકિસ્તાન સરકારને પૂછવા માગું છંુ કે શું તે નિર્દોષ કાશ્મીરીઓનાં મોત માટે જવાબદાર રાજનાથનું સ્વાગત કરીને કાશ્મીરીઓના ઘા પર મીઠું નાખશે?
• પાક. કોમી તંગદિલીમાં હિંદુ કિશોરની ગોળી મારીને હત્યાઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોમી તંગદિલીને પગલે એક ટોળામાંથી થયેલા ગોળીબારમાં ૨૮મીએ એક હિંદુ કિશોરનું મોત નીપજ્યું હતું જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘવાયો હતો. બે હિંદુ વેપારીના પુત્રો ઘોટકી જિલ્લાના એક શહેરના બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો કુરાનના અપમાન કરવાબદલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ બંને પર હુમલો કરવામાં આવ્યો હતો. ૧૭ વર્ષનો દેવેન કુમાર ગંભીર ઈજાઓને કારણે મોતને ભેટ્યો હતો. જ્યારે તેનો મિત્ર અવિનાશ ગંભીર છે. અહીં જમાત ઉદ દાવાના આગમન બાદ ઘટનાઓને કોમી સ્વરૂપ આપવાના બનાવો વધી ગયા છે.
• આધ્યાત્મિક ગુરુ રાધાનાથ સ્વામીનું નવું પુસ્તક બેસ્ટ સેલર બન્યુંઃ આધ્યાત્મિક ગુરુ રાધાનાથ સ્વામીનું નવું પુસ્તક ‘ધ જર્ની વિધિનઃ એક્સપ્લોરિંગ ધ પાથ ઓફ ભક્તિ’ તેનાં વિમોચનના બે મહિનામાં જ ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ની જુલાઈની યાદીમાં સૌથી વધુ વેચાનારું પુસ્તક બની ગયું છે. આ પુસ્તકનું વિમોચન અમેરિકામાં થયું હતું. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)ના પ્રમુખ સ્વામીનું આ પુસ્તક જુલાઈ-૨૦૧૬માં ધર્મ, આધ્યાત્મિકતા અને આસ્થાની શ્રેણીમાં સૌથી વધુ વેચાનારા પુસ્તકોની યાદીમાં ટોપ પર છે.
• યુએસમાં હોટ એર બલૂનમાં આગ ફાટતાં ૧૬નાં મોતઃ અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં ૩૦મી જુલાઈએ એક હોટ એર બલૂનમાં આગ લાગી ગઇ હતી, જે કારણે તેમાં સવાર તમામ ૧૬ લોકોના મોત થયા હતા. દુર્ઘટના ઓસ્ટિનથી લગભગ ૫૦ કિલોમીટર દૂર દક્ષિણે આવેલા લોકહર્ટમાં થઇ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારી અનુસાર બલૂન એક મેદાન ઉપર ઓચિંતુ ફાટી ગયું હતું, જે કારણે અકસ્માત સર્જાયો હતો. શેરિફના અનુસાર બલૂનમાં ૧૬ લોકો સવાર હતા અને કોઇની પણ બચવાની આશા નથી.
• USમાં ભારતીય મહિલાને ૨૫ વર્ષની જેલઃ અમેરિકામાં ક્વિન્સ ડિસ્ટ્રિક્ટ ખાતે ૩૫ વર્ષની ભારતીય મૂળની મહિલાને ૨૫ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. મહિલા પર તેની ૧૨ વર્ષની સાવકી દીકરી માયાને ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લાગ્યો હતો. પોલીસ કેસમાં તેના ભારતીય પતિને પણ આરોપી બનાવશે. દોષિત મહિલાનું નામ શીતલ રણૌત છે. તે તેના પતિ રાજેશ અને સાવકી દીકરી સાથે ક્વિન્સમાં રહે છે. અંદાજે ત્રણ સપ્તાહની સુનાવણી પછી શીતલને દોષિત જાહેર કરવામાં આવી છે.