મોસ્કોઃ વ્લાદિમીર પુતિને સોમવારે ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેની સાથે જ તેમનો છ વર્ષનો ચોથો કાર્યકાળ શરૂ થયો છે. જોકે તેમના શપથ સમારોહ પહેલાં એનટિકરપ્શન ઝુંબેશના પ્રણેતા અને પુતિનના વિરોધી અલેક્સી નવાલ્નીની આગેવાનીમાં દેખાવો કરવામાં આવ્યા હતા. રશિયાના ૯૦ શહેરોમાં દેખાવો કરાયા હતા. પોલીસે દેશભરમાં લગભગ ૩૫૦ દેખાવકારોની ધરપકડ કરી લીધી હતી.
પુતિન ચોથી વખત તેમનો પદભાર સંભાળી રહ્યા હતા તે પહેલાંથી તેમનો વિરોધ વકર્યો છે. તેમનો આખા દેશમાં ભારે વિરોધ કરાઈ રહ્યો હતો. મોસ્કોના પુશ્કિન સ્કવેરમાં હજારો પ્રદર્શનકારીઓએ પુતિનો વિરોધ કર્યો હતો. પોલીસે દેખાવો યોજવા મંજૂરી આપી ન હતી. પોલીસનો આદેશ નહીં માનવા માટે નવાલ્ની સહિત ૧,૬૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.