મિલાનઃ પુત્રે ક્રિસમસ ગિફ્ટ તરીકે આપેલી લકી ડ્રોની એક ટિકિટે ઇટાલીના એક એકાઉન્ટન્ટ મહિલાના નસીબના દરવાજાનું તાળું ખોલી નાંખ્યું છે. માત્ર ૧૦૦ યુરોની આ ટિકિટ થકી ઈટાલીનાં ક્લાઉડિયા બોર્ગોગ્નો ૧૦ લાખ યુરોનું મૂલ્ય ધરાવતા ‘નેચર મોર્ટે ૧૯૨૧’ પેઈન્ટિંગનાં માલિક બન્યાં છે. ભારતીય ચલણમાં ગણો તો આ મૂલ્ય અંદાજે ૮.૨૮ કરોડ રૂપિયા થાય. આ પેઈન્ટિંગનું આટલું ઊંચું મૂલ્ય હોવાનું કારણ એ છે કે તેને વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોએ દોર્યું છે. ઈટાલીમાં વેન્ટિમિગ્લિયામાં રહેતાં ૫૮ વર્ષનાં ક્લાઉડિયા ખુશખુશાલ ચહેરે કહે છેઃ આજ સુધી હું ક્યારેય કોઈ લકી ડ્રોમાં વિજેતા બની જ નથી. આમ છતાં મારો પુત્ર લોરેન્ઝો નેસો ડિસેમ્બરમાં લકી ડ્રોની બે ટિકિટ ખરીદી લાવ્યો હતો અને તેમાંની એક તેણે મને મોકલાવી હતી. પેરિસમાં યોજાયેલી ચેરિટી ઓક્શન હાઉસે ઈલેક્ટ્રોનિક ડ્રોની મદદથી વિજેતા પસંદ કર્યા અને તેમાં મારું નામ નીકળ્યું. મારા તો નસીબ આડેથી પાંદડું ખસી ગયું છે.