શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનાં ૩ આતંકીને ઠાર કરાયા છે. જેમાં પુલવામા હુમલા પાછળનું મુખ્ય ભેજું માસ્ટર માઇન્ડ ગણાતો મુદસ્સીર અહમદ ખાનનો પણ સમાવેશ થાય છે. આમ ખૂંખાર આતંકીઓને ઠાર મારવામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સોમવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં જૈશના કમાન્ડર મુદસ્સીર અહમદ ખાન ઉર્ફે મોહમ્મદ ભાઈનો પણ સમાવેશ થાય છે. તેણે ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા હુમલાનું કાવતરું ઘડયું હતું. તેમજ કાર અને વિસ્ફોટકો પૂરા પાડ્યા હતા. મુદસ્સીરના પરિવારે તેના મૃતદેહની ઓળખ કરાઇ હતી.
સોમવારે મધરાતે ત્રાલનાં પિંગલિશ વિસ્તારમાં એક ઘરમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની બાતમીને આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષા દળોનાં જવાનોએ વળતો હુમલો કર્યો હતો. એન્કાઉન્ટર પછી ઘરને ફૂંકી મરાયું હતું. ત્રણેય આતંકીઓનાં શરીર સળગીને ભડથું થઇ ગયા હતા. ત્રણેય આતંકીઓ પાસેથી જંગી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા.
કાશ્મીરમાં પુલવામાં હુમલા પછી ૨૧ દિવસમાં ૧૮ આતંકીઓને ઠાર કરાયા છે. આર્મીની ૧૫મી કોરનાં જીઓસી કે. જે. એસ. ધિલ્લોને આ વિગતો આપતા કહ્યું હતું કે ૧૮માંથી ૮ આતંકી પાકિસ્તાની હતા જ્યારે ૬ જૈશના કમાન્ડર હતા. પુલવામા એન્કાઉન્ટરની માહિતી આપતા કાશ્મીર રેન્જનાં આઈજી સ્વયં પ્રકાશ પાણીએ કહ્યું કે, રવિવારે પુલવામાનાં પિંગલિશ ગામે થયેલી અથડામણમાં જૈશના આતંકી અને પુલવામા હુમલાનાં માસ્ટર માઇન્ડ અને જૈશના સેકન્ડ કમાન્ડર મુદસ્સીર અહમદને ઠાર કરાયો હતો અને તેનો મૃતદેહ કબજે લેવાયો હતો. મુદસ્સીર ફેબ્રુઆરી ૨૦૧૮માં થયેલા સુંજવાન હુમલામાં પણ સામેલ હતો જેમાં ૬ જવાનો શહીદ થયા.
ઠાર કરાયેલો ૨૩ વર્ષનો મુદસ્સીર પુલવામાનો રહીશ હતો અને ત્રાલનાં મીર મહોલ્લામાં રહેતો હતો. ૨૦૧૭માં તે જૈશમાં જોડાયો હતો, જેને નૂર મોહમ્મદ તાંત્રે ઉર્ફે નૂર ત્રાલીએ જૈશમાં સક્રિય કામગીરી સોંપી હતી. નૂરે કાશ્મીર ખીણમાં જૈશને ફરી સક્રિય કર્યું હતું. ડિસેમ્બર ૨૦૧૭માં તાંત્રેનું એનકાઉન્ટરમાં મોત થયા પછી મુદસ્સીર ૧૪ જાન્યુઆરી ૨૦૧૮નાં રોજ તેનાં ઘરેથી ગુમ થઈ ગયો હતો અને સક્રિય આતંકી બની ગયો હતો. તે આત્મઘાતી આતંકી આદિલ ડારનાં સતત સંપર્કમાં હતો. સ્નાતક થયા પછી મુદસ્સીર આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયનનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. તેના પિતા મજૂર હતા.