વોશિંગ્ટનઃ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને શંકા છે. સીઆઈએના પૂર્વ ડિફેન્સ અને સાઉથ એશિયા નિષ્ણાત બ્રુસ રીડેલનું કહેવું છે કે હુમલાની આક્રમકતા જોતાં એકલા આતંકીઓનું કામ હોય એવું લાગતું નથી.
પાકિસ્તાનની ભૂમિ આ હુમલામાં સંડોવાયેલી છે અને આતંકીઓને આઈએસઆઈ દ્વારા મદદ મળી હોવી જ જોઈએ. અગાઉના ઘણા આતંકી હુમલા વખતે આઈએસઆઈનું પીઠબળ હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. આઇએસઆઇ માત્ર કહેવા પૂરતી ગુપ્તચર સંસ્થા છે, ખરેખર તો તે ભારતમાં આતંકના પ્રચાર-પ્રસારનું મુખ્ય કામ કરે છે.
બ્રુસે જણાવ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાનનો સીધો રોલ દેખાય છે. વળી હુમલો થયાની થોડી વારમાં જ જૈશ દ્વારા હુમલાની જવાબદારી લેવાઈ છે. એટલે માની શકાય કે તેમની તૈયારી બહુ પહેલેથી અને વ્યવસ્થિત રીતે થતી હશે. આ જોતાં કહી શકાય કે જૈશ હજુ વધુ હુમલાની તૈયારી કરતું હોઈ શકે.
ઓબામા સરકાર વખતે અમેરિકી સુરક્ષા સમિતિમાં રહી ચૂકેલા અનિશ ગોહેલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ઈમરાન વડા પ્રધાન બન્યા પછી બન્ને દેશો વચ્ચે ખાઈ પેદા કરતી આ પહેલી મોટી ઘટના છે. બ્રુસે જણાવ્યું હતું કે આ હુમલા પછી ઈમરાન ખાને સમજવું જોઈએ કે તેમની સરકાર સામે આતંકવાદને નાબૂદ કરવાનો મોટો પડકાર છે. હવે ભારતના વડા પ્રધાન પર પણ આતંકીઓ વિરુદ્ધ કડક હાથે કામ લેવાનું દબાણ વધશે.
‘મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરો’
અમેરિકામાં રહેલા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીએ ડિમાન્ડ કરી છે કે મસૂદ અઝહરને યુનાઇટેડ નેશન્સ (યુએન)એ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવો જોઈએ કેમ કે હુમલો કરનારી સંસ્થા જૈશનું સંચાલન મસૂદ કરે છે. મસૂદ નિયમિત રીતે ભારત વિરુદ્ધ હુમલાનો કારસો ઘડતો રહે છે. તેમણે એમ પણ કહ્યું કે ચીન વારંવાર મસૂદને આતંકી જાહેર કરતા અટકાવે છે, એ ચીન માટે પણ શરમજનક છે.
અમેરિકી વિદેશ વિભાગના પૂર્વ સભ્ય એલીસા એરિસે કહ્યું હતું કે આ હુમલો બતાવે છે કે આતંક ખતમ કરવાના અમેરિકાના લાખ પ્રયાસ છતાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ આતંકનો જોઈએ એટલો સફાયો થયો નથી. વિશ્વના દેશોએ વહેલી તકે આતંકવાદ વિરોધી નવી નીતિ તૈયાર કરવી જોઈએ.
અમેરિકી ઈન્સ્ટિટયૂટ ઓફ પીસના મોઈદ યુસુફે કહ્યું હતું કે હુમલાથી સૌથી મોટો ડર ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ વધવાનો છે કેમ કે ભારત આ હુમલાનો જવાબ આપ્યા વગર રહેશે નહીં. જવાબ આપશે એટલે પાકિસ્તાન પણ વળતા પગલા લેશે. સરવાળે સાઉથ દક્ષિણ એશિયાની શાંતિ જોખમાશે.