બૈજિંગઃ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ચીન અને રશિયાના વિદેશ પ્રધાનોને મળીને પુલવામા હુમલામાં પાક. સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના પુરાવા રજૂ કરીને પાકિસ્તાનમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇકને યોગ્ય પગલું ગણાવ્યું હતું. ચીનનાં વુઝેન શહેરમાં રશિયા-ભારત-ચીનના વિદેશ પ્રધાનોની ૧૬મી બેઠકમાં હાજરી આપતાં સુષમા સ્વરાજે પુલવામા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુષમાએ બંને વિદેશ પ્રધાનોને જણાવ્યું કે ભારતીય એર સ્ટ્રાઇક કોઈ લશ્કરી અભિયાન નહોતું તેમાં પાકિસ્તાનના કોઈ લશ્કરી સંસ્થાન કે લોકોને નિશાન નહોતા બનાવાયાં. ફક્ત આતંકી સંગઠન જૈશનાં મુખ્ય ઠેકાણાઓને જ નિશાન બનાવાયાં છે. ભારત કોઈ પણ રીતે તણાવ વધારવા માગતો નથી, માત્ર આતંકવાદ સામે પગલાં લેવાને પ્રાથમિકતા આપી છે.
સંયમ સાથે કામ: સુષમા સ્વરાજ
ભારત સહિત વિશ્વભરના દેશોએ પાકિસ્તાનને આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું હોવા છતાં કોઇ પગલાં લેવાયા ન હોવાનો ઉલ્લેખ કરતા સુષમાએ કહ્યું હતું કે ભારત સરહદે તંગદિલી વધારવા માગતો નથી, અમે સંયમ અને જવાબદારી સાથે કામ કરી રહ્યાં છીએ.
તેમણે કહ્યું હતું કે કે પાકિસ્તાન તેની ધરતી પર આતંકી જૂથો હોવાનો તથા તેની પર કાર્યવાહીનો લગાતાર ઇનકાર કરી રહ્યો છે. જૈશ ભારતના ઘણા ભાગોમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો તેથી અમારી સરકારને અચાનક હુમલો કરવાની ફરજ પડી. જોકે એર સ્ટ્રાઇકમાં કોઈ સામાન્ય નાગરિકને જાનમાલનું નુકસાન ન થાય તેની અમે ખાસ તકેદારી રાખી હતી.
પુલવામા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. તેમ છતાં પણ પાકિસ્તાને આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. પાકિસ્તાને પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાનો સ્પસ્ટ ઇનકાર કરી દીધો હતો. આવો કાયરતાપૂર્વકનો હુમલો તમામ દેશો માટે ચેતવણીરૂપ છે. આતંકવાદની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે.
સુષમાએ બેઠકમાં ચીની વિદેશ પ્રધાન વાંગ યી અને રશિયાના વિદેશ પ્રધાન સર્ગે લાવરોવ સાથે વાતચીત કરી હતી. ત્રણેય દેશોના વિદેશ પ્રધાનોની બેઠક બાદ જારી કરવામાં આવેલાં સંયુક્ત નિવેદનમાં આતંકવાદનો તમામ સ્વરૂપોની ઉગ્ર ટીકા કરી હતી.
પાક. આતંકીઓની મદદ બંધ કરે: ચીન
ત્રણેય વિદેશ પ્રધાનોની બેઠક બાદ ચીને તેના જૂના મિત્ર પાકિસ્તાનને આતંકીઓની મદદ બંધ કરવાનું તથા ભારતને સહયોગ આપવાનું જણાવ્યું હતું. ચીને કહ્યું કે અમે પાકિસ્તાનને ફક્ત આર્થિક મોરચે સાથ આપી શકીએ છીએ.