નવી દિલ્હીઃ અખબારી જગતનો નોબલ પ્રાઇઝ ગણાતો પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટોજર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાનના કંદહારમાં અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની લડાઈનું કવરેજ કરતી વખતે મોત થયું હતું. વૈશ્વિક સમાચાર એજન્સી રોઇટર્સના ભારત ખાતેના ચીફ ફોટોગ્રાફર તાલિબાન અને અફઘાન દળો વચ્ચેની લડાઈનું કવરેજ કરવા બે સપ્તાહ પહેલાં જ ભારતથી કાબુલ રવાના થયા હતા. રોઇટર્સે તેને અંજલિ આપતા કહ્યું હતું કે ‘તેઓ અમારી આંખ હતા’.
કંદહાર પ્રાંતના સ્પિન બોલ્દક જિલ્લામાં અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની અથડામણનું કવરેજ કરતી વખતે દાનિશ સિદ્દીકીનું મોત થયું હતું. આ હુમલામાં કંદહારમાં અફઘાન સ્પેશિયલ ફોર્સીઝના કમાન્ડર સેદિક કરઝાઈનું પણ મોત થયું હતું. એક અફઘાન કમાન્ડરે જણાવ્યું હતું કે, સ્પિન બોલ્દકમાં પાકિસ્તાનની સરહદ નજીક અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની લડાઈનું કવરેજ કરતી વખતે સિદ્દીકીનું મોત થયું હતું. સ્પિન બોલ્દાકના મુખ્ય બજાર પર કબજો જમાવવા માટે આ લડાઈ ચાલી રહી હતી.
સિદ્દીકી છેલ્લા એક સપ્તાહથી કંદહાર પ્રાંતમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. ગયા સપ્તાહે સિદ્દીકીએ કંદહારના પરા વિસ્તારમાં ૧૮ કલાક સુધી તાલિબાનોના ઘેરામાં સપડાયેલા પોલીસ જવાનને બચાવવા અફઘાન દળોએ હાથ ધરેલા મિશનનું રિર્પોર્ટિંગ કર્યું હતું. બાંગ્લાદેશમાં રોહિંગ્યા નિરાશ્રિતોની સ્થિતિનું કવરેજ કરવા માટે પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મેળવનારી રોઇટર્સ ટીમના દાનિશ સિદ્દીકી સભ્ય હતા. ૨૦૨૦માં દિલ્હીમાં થયેલા કોમી રમખાણો અને કોરોના મહામારીના સેકન્ડ વેવની તસવીરો માટે પણ તેમને સન્માનિત કરાયા હતા.
‘હું દરેક બ્રેકિંગ સ્ટોરીનો માનવીય ચહેરો કેમેરામાં કંડારું છું’
રોઇટર્સની વેબસાઇટ પરની પોતાની પ્રોફાઇલમાં દાનિશ સિદ્દીકીએ લખ્યું છે કે હું પોતાને રજૂ નહીં કરી શક્તા એવા કોમન મેનને રજૂ કરું છું જે પોતાની વાત રજૂ થાય તેમ ઇચ્છે છે. હું બિઝનેસ, પોલિટિક્સથી માંડીને સ્પોર્ટ્સ સુધીની ન્યૂઝ સ્ટોરીઝ કવર કરવામાં આનંદ અનુભવું છું. હું દરેક બ્રેકિંગ સ્ટોરીનો માનવીય ચહેરો કેમેરામાં કંડારું છું.