સુવાઃ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ જસ્ટિસ મદન લોકુરે સોમવારે ફિજીની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તેઓ ફિજીમાં નોન-રેસિડેન્ટ પેનલનો હિસ્સો હશે. તેમનો કાર્યકાળ ૩ વર્ષનો હશે. ફિજીના રાષ્ટ્રપતિ જીઓજી કોનરોતેએ કાર્યકારી ચીફ જસ્ટિસની હાજરીમાં જસ્ટિસ લોકુરને શપથ લેવડાવ્યા હતા.
કોઈ ભારતીય જજ અન્ય દેશની સર્વોચ્ચ અદાલતમાં જજ બન્યા હોય તેવું આ પહેલી વાર બન્યું છે. જસ્ટિસ લોકુરે જુલાઈ ૧૯૭૭માં વકીલાત શરૂ કરી હતી. તેમણે દિલ્હી હાઇ કોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી.
જુલાઈ ૧૯૯૯માં તેઓ હાઇ કોર્ટના જજ બન્યા હતા. આ ઉપરાંત તેઓ ગુવાહાટી અને આંધ્ર પ્રદેશ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. જૂન ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને ગત ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થયા છે.