વેલિંગ્ટનઃ એન્ટાર્કટિકાના એક પેંગ્વિને ૩૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને છેક ન્યૂઝીલેન્ડ સુધી પહોંચી આશ્વર્ય સર્જ્યું છે. એન્ટાર્કટિકાનું પેંગ્વિન છેક ન્યૂઝીલેન્ડ પહોંચ્યું હોય એવું ઈતિહાસમાં માત્ર ત્રીજી વખત બન્યું હોવાનું નિષ્ણાતોએ કહ્યું હતું. જવલ્લે જ આવું બનતું હોય છે. એ પેંગ્વિનને રેસ્ક્યૂ કરીને મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.
એન્ટાર્કટિકાના રોઝ સી નામના સ્થળેથી ન્યૂઝીલેન્ડના બર્ડલિંગ ફ્લેટ ટાપુ સુધીનો પ્રવાસ કરીને પેંગ્વિને આશ્વર્ય સર્જ્યુ છે. એકદમ ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલું આ સજીવ કેવી રીતે તરીને ૩૦૦૦ કિલોમીટર દૂર પહોંચ્યું હશે તે આશ્વર્ય અને સંશોધનનો વિષય છે એવું વાઈલ્ડલાઈફ એક્સપર્ટ્સે કહ્યું હતું. ન્યૂઝીલેન્ડના એ ટાપુનું પાણી ગરમ હોવાથી એ પેંગ્વિન પાણીમાંથી બહાર નીકળીને કાંઠે પહોંચી ગયું હતું અને તે ફરીથી પાણીમાં જવાનું ટાળતું હતું એ વખતે જ સ્થાનિક લોકોની નજરે એ ચઢી ગયું હતું.
એ પેંગ્વિનને તુરંત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને તેના લોહીના પરીક્ષણો પણ કરવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડના કાંઠે પેંગ્વિન તરીને આવ્યું છે તેની જાણ બર્ડલિંગ ફ્લેટના લોકોને થતાં આ નાનકડા ટાઉનના લોકો એને જોવા કાંઠે ઉમટી પડયા હતા. વૈજ્ઞાનિકોએ આશ્વર્ય સાથે ચિંતા વ્યક્ત કરી હતી કે આ વાતાવરણમાં આવેલા પરિવર્તનની નિશાની છે. એન્ટાર્કટિકાનું વાતાવરણ ગરમ બની રહ્યું હોવાથી પેંગ્વિનને પૂરતો ખોરાક મળતો નથી. ખોરાકની તલાશમાં એ વધારે આગળ આવી જાય છે અને પછી પાણીના પ્રવાહમાં તણાઈને દૂર સુધી પહોંચી જાય છે.
સ્થાનિક પર્યાવરણ વિભાગની નોંધ પ્રમાણે અગાઉ ૧૯૬૨માં એન્ટાર્કટિકાથી એક પેંગ્વિને ન્યૂઝીલેન્ડ સુધીનો પ્રવાસ કર્યો હતો. એ પછી ૧૯૯૩માં બીજી વખત એક પેંગ્વિને ન્યૂઝીલેન્ડ સુધીની સફર પૂરી કરી હતી. એ સિવાય આટલા વર્ષોમાં બીજો એકેય કિસ્સો નોંધાયો નહોતો.