સિઓલઃ આ ન્યૂઝ આઇટેમનું હેડિંગ વાંચીને તમે કદાચ એવું વિચારીને હસી પડ્યા હશો કે આ તે કેવું ગાંડપણ... પરંતુ નવા શરૂ થયેલા આ જ ટ્રેન્ડ અંગે અલગ દૃષ્ટિકોણથી વિચારશો તો સમજાશે કે આ ભાગદોડભરી જિંદગીમાં એકલતા નામની સમસ્યા આપણા સમાજને કેવો અજગરભરડો લઇ ચૂકી છે. આ વાત છે કે વિશ્વમાં સૌથી વધુ કામ કરનાર દેશોમાંનો એક એવા સાઉથ કોરિયાની.
સાઉથ કોરિયામાં અઠવાડિયામાં 52-69 કલાક કામ કરવું સામાન્ય ગણાય છે. આ માહોલમાં અહીંના યુવાનો એકલતા અને તણાવ સામે ઝઝૂમી રહ્યા છે. જોકે હવે અહીંના યુવાનો એકલતા દૂર કરવા માટે અનોખી પદ્ધતિ અપનાવી રહ્યા છે. હકીકતમાં, યુવાનો કામનો થાક અને એકલતા દૂર કરવા માટે પેટ્સનો સહારો લઈ રહ્યા છે. પરંતુ આ પેટ્સ સામાન્ય પાલતુ પ્રાણીઓ જેવા કે શ્વાન, બિલાડી કે અન્ય કોઇ પશુપંખી નથી, પરંતુ પથ્થરોને પેટ્સ તરીકે પાળી રહ્યા છે કે તેને દતક લઇ રહ્યા છે. આ પથ્થરોને પેટ રોક્સ કહેવામાં આવે છે. મોટાભાગના યુવાનોએ હવે પથ્થરને પાલતુ પ્રાણી તરીકે રાખવાનું શરૂ કર્યું.
સાઉથ કોરિયાઈ યુવાનો આ પેટ રોકને નામ પણ આપે છે અને તેમના રહેવા માટે અલગ જગ્યા પણ રાખે છે. કેટલાક યુવાનો તો વળી આ પેટ રોક્સને વિવિધ રંગોમાં સજાવે છે. સિઓલમાં કામ કરતી 33 વર્ષીય કૂ આહ-યંગ કહે છે કે પેટ રોક સાથે રાખવાથી કામના બર્નઆઉટ ઘટાડવામાં મદદ મળી છે. તેમણે તેના પેટ રોકનું નામ બેંગ-બેંગ-આઈ રાખ્યું છે. તે ઘરે પરત ફરે છે ત્યારે તેના દિવસભરના કામ વિશે અંગે પેટ રોક વાત કરે છે અને વોકિંગ માટે કે જિમમાં જતી વખતે પણ તેને પોતાની સાથે લઈ જાય જાય છે. એક રિપોર્ટ કહે છે કે તે મુજબ, પેટ રોક્સનો આ ટ્રેન્ડ કોરિયાના લોકોને માત્ર પ્રતીકાત્મક જ નહીં પરંતુ વાસ્તવિક લાભ પણ આપી રહ્યો છે.