પેરિસઃ હોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘ધ ટર્મિનલ’ જે પાત્ર પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હતી, તે મહેરાન કરીમી નસેરીનું શનિવારે પેરિસ એરપોર્ટના ટર્મિનલ-2-એફ પર નિધન થયું છે. ઈરાનના રહેવાસી મહેરાન લાગલગાટ 18 વર્ષ સુધી પેરિસના ચાર્લ્સ દ’ગોલ એરપોર્ટ પર રહ્યા હતા અને આ કારણસર જ દુનિયાભરમાં જાણીતા બન્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાનથી નિર્વાસિત થયા બાદ મહેરાન ઓગસ્ટ 1988થી જુલાઈ 2006 સુધી પેરિસના એરપોર્ટ પર જ ડેરાતંબુ તાણીને ત્યાં પોતાનું જીવન વીતાવ્યું હતું. આ પછી તેણે અન્યત્ર વસવાટ શરૂ કર્યો હતો. જોકે, એક અહેવાલ અનુસાર છેલ્લા થોડા કેટલાક સમયથી મહેરાન ફરી એરપોર્ટ પર આવીને પહેલાની જેમ જ રહેવા લાગ્યા હતા. જ્યાં રવિવારે હાર્ટ એટેક આવતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આમ જ્યાં તેમણે જિંદગીના અનેક વર્ષો વીતાવ્યા હતા ત્યાં જ તેમણે દેહ છોડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહેરાનના માતા સ્કોટલેન્ડનાં નાગરિક હતા, તેમ છતાં 1988માં બ્રિટને તેને શરણાર્થી તરીકે સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદથી મહેરાન 1988થી 2006 સુધી પેરિસના ચાર્લ્સ દ’ગોલ એરપોર્ટના ટર્મિનલ-1માં રહેતા હતા. 2006ની સાલમાં બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ મહેરાને 18 વર્ષ બાદ એરપોર્ટને અલવિદા કહ્યું હતું. મહેરાનના જીવનથી પ્રેરિત થઇને વિખ્યાત દિગ્દર્શક સ્ટિવન સ્પિલબર્ગે ‘ધ ટર્મિનલ’ ફિલ્મ બનાવી હતી, જે 2004માં રિલીઝ કરાઈ હતી.