પેરિસઃ ગ્લેમરની રાજધાની પેરિસ ૧૪મી નવેમ્બરની સાંજે આતંકી હુમલાઓથી રક્તરંજિત બની ગઈ હતી. એકે-૪૭ અને આત્મઘાતી બેલ્ટનો સહારો લઈને આઇએસના ૮ આતંકવાદીઓએ ફ્રાંસમાં ૬ સ્થળોએ હુમલા કર્યાં હતા અને ગોળીઓ ખતમ થઈ જતાં આતંકીઓએ ભાગી રહેલા લોકો પર દારૂગોળાના જેકેટ ફેંક્યા હતા. પેરિસના આ સિરિયલ આતંકવાદી ધમાકા અને ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. આ આતંકી ઘટનામાં પેરિસના કંસર્ટ હોલમાં ૧૦૦ લોકોને બંધક બનવી લેવાયા હતા અને ફ્રાંસિસ સુરક્ષાબળોએ ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા હતા.
નોંધનીય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાંસ પર આ સૌથી મોટો હુમલો છે અને વર્ષ ૧૯૪૪ પછી પહેલી વાર ત્યાં કરફ્યુ લદાયો છે.
ફ્રેંચ મીડિયાના અહેવાલો મુજબ, આતંકી સમૂહ આઈએસઆઈએસએ હુમલાની જવાબદારી લીધી હતી. જ્યારે જેહાદીઓએ ટ્વિટર પર હુમલાની પ્રશંસા કરી હતી અને ઈસ્લામિક સ્ટેટના ચરમપંથીઓ વિરુદ્ધ ફ્રાંસના સૈન્ય અભિયાનોની આલોચના કરી હતી. આ ઘટના બાદ પેરિસમાં ઇમરજન્સી બેઠક યોજાયા પછી રાષ્ટ્રપતિ ઓલાંદે હુમલાને દેશની સામે યુદ્ધ ગણાવ્યો હતો. સાથે જ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. ઓલાંદે સંકલ્પ લીધો હતો કે, ફ્રાંસ આતંકવાદ વિરુદ્ધ દૃઢતાથી ઉભું રહેશે.
આ આતંકી ઘટનાના સંદર્ભે ૧૫મી નવેમ્બરે માલૂમ પડ્યું કે, ફૂટબોલ સ્ટેડિયમમાં ત્રાટકેલો હુમલાખોર ૧૫ જ વર્ષનો હતો. અન્ય એક સંબંધિત ઘટનાક્રમમાં બેલ્જિયમના બ્રસેલ્સમાં ત્રણ શકમંદોની ધરપકડ કરાઇ હતી અને તપાસ અધિકારીઓએ ઉમેર્યું હતું કે, હુમલાખોરો અનુભવી અને સારી રીતે તાલીમબદ્ધ હતા. તે અગાઉ ઇરાક-સિરિયામાં લડી ચૂક્યા હતા કે નહીં? તેની પણ તપાસ ફ્રાંસ તપાસ અધિકારીઓએ ચલાવી છે. ફ્રાંસ તપાસ અધિકારીઓએ ૧૬મી નવેમ્બરે જાહેર કર્યું હતું કે, હુમલાનું ષડયંત્ર ઘડવાની શરૂઆત ૯ મહિના અગાઉ થઇ હતી અને ત્રાસવાદીઓએ ત્રણ ટીમો બનાવીને આ હુમલાને અંજામ આપ્યો હતો. ફ્રાંસના તપાસકર્તાઓએ એવું પણ જાહેર કર્યું કે, અમે પેરિસ હુમલાના શંકાસ્પદ માસ્ટરમાઇન્ડ એવા બેલ્જિયમના નાગરિક ૨૭ વર્ષીય અબ્દેલ હમિદ અબાઉદની શોધ ચલાવી રહ્યા છીએ.