પેરિસઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ફ્રાન્સ યાત્રા શુક્રવારે એક ગરિમાપૂર્ણ ક્ષણ સાથે સંપન્ન થઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રીય પર્વે યોજાયેલી બેસ્ટીલ ડે પરેડ ટાણે આ ક્ષણ જોવા મળી હતી. મોદી પરેડના મુખ્ય અતિથિ હતા. દરમિયાન ભારતીય થલ, જલ અને વાયુ સેનાના 269 જવાને ત્રણ ટુકડીમાં માર્ચ કરી હતી. ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...’ની ધૂન ૫૨ થયેલા કદમતાલથી સમગ્ર માહોલ ગૂંજી ઊઠ્યું હતું. આકાશમાં ચાર ભારતીય રાફેલ વિમાને ફ્લાયપાસ્ટ પણ કર્યું હતું. મોદી પહેલાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ 2009માં આ પરેડના મુખ્ય અતિથિ રહી ચૂક્યા છે.
વડા પ્રધાન મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન બે અણુસબમરીન માટે સમજૂતી કરાર થયા હતા. જોકે રફાલ-મરીન ફાઇટર જેટના અપેક્ષિત સમજૂતી કરાર અંગે કોઇ જાહેરાત થઇ નહોતી.
બેસ્ટીલ ડે પરેડમાં સેનાની પંજાબ રેજિમેન્ટ જોડાઈ હતી. આ જ રેજિમેન્ટે બંને વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોની સેના વતી ફ્રાન્સ માટે યુદ્ધ લડ્યું હતું. આ વખતે રેજિમેન્ટના 77 જવાન માર્ચમાં તો 38 બેન્ડમાં જોડાયા હતા.
મોદીને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન
રાષ્ટ્રપતિ મેક્રોંએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોર્સ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા. મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન છે.