પેરિસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે AI એક્શન સમિટની સમાંતરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બન્ને રાષ્ટ્રીય નેતાઓ વચ્ચેની આ બેઠકમાં મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન કેન્દ્રસ્થાને રહેનારાઓ મુદ્દાઓ અંગે ચર્ચા થયાનું મનાય છે. જોકે આ અંગે બન્નેમાંથી એક પણ દેશે કોઇ નિવેદન કર્યું નથી કે બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી નથી.
પેરિસ ખાતેના અમેરિકાના એમ્બેસેડરના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં અમેરિકાના સેકન્ડ લેડી ઉષા વાન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વ્યવસાયે એટર્ની ઉષા ચિલુકુરી વાન્સ દક્ષિણ ભારતનાં વતની છે, અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડેથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ બેઠકની તસવીરો શેર કરી હતી. જેમાં મોદી સાથે વાન્સ દંપતી અને તેમના સંતાનો પણ જોવા મળે છે. મોદીએ લખ્યું હતું કે વાન્સ પરિવાર સાથેની મુલાકાત યાદગાર બની રહી હતી. તેમના પુત્ર વિવેકના બર્થડેની ઉજવણીમાં સામેલ થતાં આનંદની લાગણી અનુભવી. આ પ્રસંગે મોદીએ વાન્સ દંપતીના પુત્ર વિવેકને બર્થડે ગિફ્ટ પણ આપી હતી. બાદમાં વાન્સે પણ વડાપ્રધાન મોદીની ટ્વિટને રિપ્લાય કરતાં તેમની સાથેની મુલાકાતને યાદગાર ગણાવી હતી અને કહ્યું હતું કે અમારા સંતાનોને તેમની ભેટ બહુ પસંદ પડી છે. તેમની સાથેની વાતચીત બદલ હું તેમનો આભારી છું.
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ટ્રમ્પ સાથેની મુલાકાતમાં એકબીજાના ઉત્પાદનો પર ટેરિફ, એચવન-બી વિઝાનો મુદ્દો, ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી દરમિયાન અમાનવીય વ્યવહાર સહિતના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રસ્થાને રહેશે તેમ મનાય છે. ટ્રમ્પ અન્ય દેશોમાંથી આયાત થતા માલસામાન પર ઊંચા દરે ટેરિફ લાગુ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે તેઓ ભારતના મામલે કેવું વલણ અપનાવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે.
મોદી બુધવાર - 12 ફેબ્રુઆરીએ અમેરિકા જશે. તેમણે આ મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવાની એક મહત્ત્વપૂર્ણ તક ગણાવી હતી.
એઆઇ સમિટમાં ટોચના નેતાઓની ઉપસ્થિતિ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના યજમાનપદે પેરિસમાં યોજાયેલી સમિટમાં યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ ઉપરાંત કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત ઘણા વિશ્વ નેતાઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ સમિટ પછી મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી, જેમાં 2047 માટે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર ચર્ચા થઇ હોવાના અહેવાલ છે.