પેરિસઃ ફ્રાન્સની સરકારે આક્ષેપ કર્યો છે કે શ્રમિક દિવસે ‘યલો વેસ્ટ’ મૂવમેન્ટના સમર્થકોએ એક નામાંકિત હોસ્પિટલને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના પછી સત્તાવાળાઓ અને દેખાવકારો વચ્ચે તંગદિલી વધી ગઇ છે.
૧૯૯૭માં પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયાનાનું જે હોસ્પિટલમાં અવસાન થયું હતું તે હોસ્પિટલ પિટિ-સાલપેટ્રિરીના ડોકટરોએ પણ આક્ષેપ કર્યો છે કે દેખાવકારો હોસ્પિટલમાં ઘૂસી ગયા હતાં અને તેમણે હોસ્પિટલને નુકસાન પહોંચાડયું હતું અને તેમણે આઇસીયુમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે યલો મૂવમેન્ટના સમર્થકોએ આ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું છે કે પોલીસે ટિયર ગેસના સેલ છોડતા તેનાથી બચવા માટે દેખાવકારો હોસ્પિટલમાં પ્રવેશ્યા હતાં. હોસ્પિટલમાં ઘૂસવા બદલ ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના પહેલી મે એટલે કે શ્રમિક દિવસે હજારો લોકોએ સરકાર વિરુદ્ધ કરેલા દેખાવો દરમિયાન બની હતી.
દેખાવકારો ફ્રાન્સના પ્રમુખ એમેન્યુલ મેક્રોના આર્થિક સુધારાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી રહ્યાં હતાં. જેના પગલે સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ હતી. દેખાવકારોને અંકુશમાં રાખવા માટે ૭૪૦૦ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં.