પેશાવરઃ આર્મી સ્કૂલના માસૂમ બાળકો પર થયેલા લોહિયાળ હુમલાના ઘા હજુ રુઝાયા નથી ત્યાં પાકિસ્તાનના પેશાવરની ધરતી ફરી એક વખત વિદ્યાર્થીઓના લોહીથી રક્તરંજિત થઇ છે. આ વખતે આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં આવેલી પ્રતિષ્ઠિત બાચા ખાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૨૫નાં મોત થયાં છે અને અન્ય ૫૦થી વધુને ઇજા થઇ છે. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાને લીધી હતી.
બુધવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બાચા ખાન યુનિવર્સિટીના બે સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરીને ૪થી ૧૦ આતંકવાદી કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા હતા.
આ યુનિવર્સિટી ‘સરહદના ગાંધી’ તરીકે મશહૂર ખાન અબ્દુલ ગફાર ખાનની સ્મૃતિમાં સ્થાપવામાં આવી છે. બુધવારે સરહદના ગાંધીની ૨૮મી પુણ્યતિથિ પર આયોજિત મુશાયરાના કાર્યક્રમમાં ૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૬૦૦થી વધુ અતિથિ હાજર હતા. હુમલાની ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર આતંકીઓએ ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓને માથામાં ગોળી મારી હતી. હુમલાની જાણ થતાં જ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું.
સેનાના પ્રવક્તા લેફ. જનરલ અસીમ સલીમ બાજવાએ જણાવ્યું કે, લગભગ છ કલાક લાંબા અભિયાનમાં ચાર આતંકવાદી ઠાર મરાયા હતા. સેનાએ ચાર શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. તેમની પાસેથી પાકિસ્તાન આર્મીના યુનિફોર્મ મળી આવ્યા હતા. હુમલા બાદ ખૈબર પખ્તુનવા સરકારે રાજ્યમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી. ચારસદ્દા જિલ્લામાં ૩૧ જાન્યુઆરી સુધી તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાનો આદેશ અપાયો છે.
આતંકવાદી હુમલા સમયે પાકિસ્તાનના ટોચના સત્તાધારીઓ વિદેશમાં હતા. વડા પ્રધાન નવાઝ શરીફ સ્વિત્ઝર્લેન્ડમાં ઠંડીનો આનંદ લઈ રહ્યા હતા, તો આર્મી ચીફ જનરલ રાહિલ શરીફ ઘરઆંગણાની સમસ્યાઓને કોરાણે મૂકીને ઇરાન અને સાઉદી અરબ વચ્ચેનો વિવાદ ઉકેલવા સાઉદ અરબમાં મધ્યસ્થી કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે ખૈબર પખ્તુનવા પ્રાંતના મુખ્ય પ્રધાન પરવેઝ ખટ્ટક પણ બ્રિટનના પ્રવાસે જવા રવાના થઇ ગયા હતા. જોકે તેઓ પ્રવાસ ટૂંકાવી દુબઇથી પરત ફર્યા હતા.
વડા પ્રધાન નવાઝ શરીફે હુમલાની આકરા શબ્દમાં ટીકા કરતા કહ્યું હતું કે 'નિર્દોષને મારનારા આતંકીઓનો કોઈ ધર્મ હોતો નથી. અમે ફરી એક વાર પાકિસ્તાનને આતંકથી મુક્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. શહીદ થનારાં લોકોની કુરબાની વ્યર્થ નહીં જાય.
પ્રોફેસરે આતંકીઓનો સામનો કર્યો
આતંકીઓના હુમલા બાદ યુનિવર્સિટીના કેમેસ્ટ્રીના પ્રોફેસર સૈયદ હામિદ હુસેને વિદ્યાર્થીઓને બચાવ્યા જ નહોતા, પરંતુ આતંકવાદીઓ સામે લડવા હથિયાર પણ ઉઠાવી લીધું હતું. ઝહુર એહમદ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગોળીબારના અવાજ સાંભળીને અમે હોસ્ટેલની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અમારા કેમેસ્ટ્રીના પ્રોફેસરે અમને રોકી લીધા હતા. અમને સુરક્ષિત સ્થળે ખસેડીને પોતાના હાથમાં પિસ્તોલ ઉઠાવી લીધી હતી. તેઓ આતંકવાદીઓ પર ગોળીબાર કરી રહ્યા હતા ત્યાં જ તેમને એક ગોળીએ વીંધી નાખ્યા હતા. સૈયદ હામિદ હુસેન ઓર્ગેનિક કેમેસ્ટ્રીના નિષ્ણાત હતા. તેમના સાત રિસર્ચ પેપર પણ પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે.
તહરીક-એ-તાલિબાને ફેરવી તોળ્યું
અગાઉ ફેસબુકનાં માધ્યમથી હુમલાની જવાબદારી લેનાર આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાને પાછળથી ફેરવી તોળ્યું હતું. હુમલામાં પોતાની સંડોવણી નકારતાં આતંકી સંગઠનના નેતા મોહમ્મદ ખુરાસનીએ હુમલાને બિનઇસ્લામિક ગણાવતાં જણાવ્યું હતું કે, અમે અમારા સંગઠનનાં નામનો દુરુપયોગ કરનારાં લોકો સામે કાર્યવાહી કરીશું. અગાઉ તહરીક-એ-તાલિબાને દાવો કર્યો હતો કે અમારા સભ્યો અને સમર્થકોની હત્યાના વિરોધમાં આ હુમલો કરાયો છે. આતંકી સંગઠનના પ્રવક્તા ઉમર મન્સુરે સરકારી કોલેજો, યુનિવર્સિટીઓ પર વધુ હુમલાની ધમકી ઉચ્ચારી હતી.
પીડિતો શું કહે છે?
• આતંકીઓ અમારા જેવા યુવાનો જ હતા. તેમના હાથમાં એ.કે. ૪૭ રાઇફલો હતી. તેમણે પાકિસ્તાનના સૈનિકો જેવી જ વર્દી પહેરી રાખી હતી.
• હુમલાખોરોએ યુનિવર્સિટીના એન્ટ્રી પોઇન્ટ્સ પર પોઝિશન લઇ લીધી હતી. ત્રણ આતંકીઓ સુરક્ષા દળો સામે લડી રહ્યા હતા.
• ફાયરિંગ શરૂ થયું ત્યારે મહત્તમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ગમાં હતા. અમે સમજી શક્યા નહોતા કે શું ચાલી રહ્યું છે.
• ત્રણ આતંકી અલ્લાહ સબસે બડા હૈના નારા લગાવી ગોળીબાર કરતા આગળ વધી રહ્યા હતા.
સરહદના ગાંધીની પુણ્યતિથિએ જ લોહી વહ્યું...
આતંકવાદીઓએ જે યુનિવર્સિટી પર હુમલો કર્યો છે તે બાચા ખાન યુનિવર્સિટી ખાન અબ્દુલ ગફાર ખાનના નામથી બનાવવામાં આવી છે. એક સમયમાં સરહદના ગાંધીના નામે જાણીતા ખાન એક મહાન રાજકીય નેતા હતાં. તેમણે હિન્દુસ્તાનના સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો.
મહાત્મા ગાંધીની જેમ તે પણ અહિંસામાં વિશ્વાસ રાખતા હતાં. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જન્મેલા ખાન એકમાત્ર પાકિસ્તાની છે જેમને 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા છે. બાચા ખાનને પાકિસ્તાનમાં નહીં પણ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં દફનાવવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ૨૦ જાન્યુઆરીએ જ બાચા ખાન મૃત્યુ પામ્યા હતા. યુનિવર્સિટી પરિસરમાં તેમની પુણ્યતિથિ મનાવવામાં આવી રહી હતી ત્યારે તાલિબાનને આ વાત પસંદ ન પડતા તેણે નિર્દોષ લોકો અને વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હતાં.