પેશાવરઃ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાના ભયાવહ માહોલ વચ્ચે હિંદુ-મુસ્લિમ એકતાનું અભૂતપૂર્વ ઉદાહરણ શિવરાત્રીએ જોવા મળ્યું હતું. ખૈબર પખ્તુનવાલામાં મુસ્લિમોએ હિંદુઓના મહા શિવરાત્રીના ત્રિદિવસીય પર્વમાં હોંશે હોંશે ભાગ લીધો હતો.
પેશાવરમાં આવેલી હિંદુ દરગાહમાં ઘણાં વર્ષોથી મહા શિવરાત્રીની રંગેચંગે ઉજવણી થાય છે. આ દરમિયાન ખૈબર પખ્તુનવાલા પોલીસ હિંદુ દરગાહની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરે છે.
આ પર્વ માટે ખાસ સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ ઊભો કરાય છે. એટલું જ નહીં, સમગ્ર દરગાહને સીસીટીવી ફૂટેજ અને સ્કેનિંગ મશીનમાં આવરી લેવાય છે.
આ મહાશિવરાત્રી માટે જૂના શહેરના ઝંડા બજારમાં આવેલી આ હિંદુ દરગાહને સુંદર રોશનીથી સજાવવામાં આવી હતી. આ દરમિયાન પખ્તુનવાલા પ્રાંતમાંથી હજારો લોકો દરગાહના દર્શને આવ્યા હતા.
આ અંગે યુનિયન કાઉન્સિલ કરીમ પૂરાના નાઝિમ ગુલામ મુસ્તફાએ જણાવ્યું હતું કે, અમે સખત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ શિવરાત્રીની ઉજવણી કરીએ છીએ.
૧૯૯૨માં બાબરી મસ્જિદ પર હુમલો થયો ત્યારે પણ આ દરગાહમાં હિંદુ પર્વની ઉજવણી રદ નહોતી કરાઈ.
હિંદુ-મુસ્લિમો સદીઓથી એકબીજા સાથે રહે છે. ધર્મ વચ્ચે લાવ્યા વિના એકબીજા સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેવું એ અહીંની પરંપરા છે. સમાજના દરેક વર્ગની પરંપરાનું રક્ષણ કરવું એ અમારી જવાબદારી છે. શિવરાત્રીની ઉજવણી કરવા આવેલા બલવંતરામ નામના એક શિવભક્તે જણાવ્યું હતું કે, અહીં સ્થાનિકો અને પોલીસની મદદથી જ શિવરાત્રીની આટલા ઉત્સાહથી ઉજવણી થઈ શકે છે. અમે અહીં વર્ષોથી કોઈ પણ પ્રકારના ભય વિના હિંદુ વિધિ પ્રમાણે શિવરાત્રીની ઉજવણી કરીએ છીએ.