સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારા આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાને સ્વીકારી છે. સંગઠનના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાની સેનાની કાર્યવાહીના જવાબમાં આ હુમલો કરાયો છે. આ આતંકવાદી સંગઠન ઉત્તરીય વઝિરિસ્તાન અને ખૈબર પ્રાંતમાં સક્રિય છે. સવારે દસેક વાગ્યાના અરસામાં લશ્કરી જવાનોના ડ્રેસમાં સજજ છ આત્મઘાતી આતંકવાદીઓનું એક જૂથ આર્મી સ્કૂલમાં ઘૂસી ગયું હતું અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પેશાવર પહોંચી ગયેલા વડા પ્રધાન નવાઝ શરીફે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવાની સાથે પાકિસ્તાનની ધરતી પરથી ત્રાસવાદનો સફાયો કરી નાખવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. વિશ્વભરમાંથી આ આતંકી કૃત્યને આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશની તમામ શાળાઓમાં બે મિનિટનું મૌન પાળવાની જાહેરાત કરી છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટર પર જણાવ્યું હતું, ‘હું પેશાવરમાં સ્કૂલના બાળકો પર થયેલા હુમલાને આકરા શબ્દોમાં વખોડું છું. આ અમાનવીય હુમલો આતંકવાદનો અસલી ચહેરો ખુલ્લો કરે છે.’
લશ્કરી કાર્યવાહીનો બદલો
પાકિસ્તાની આર્મીના જણાવ્યા પ્રમાણે સ્કૂલમાંથી ૫૦૦થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જો આમ ન થયું હોત તો મૃત્યુઆંક ઘણો વધી ગયો હોત. સ્કૂલમાં કામ કરતા મુદાસિર અવાનના જણાવ્યા પ્રમાણે, ‘અમે છ કે સાત હુમલાખોરને જોયા હતા. જેવો ગોળીબાર શરૂ થયો કે અમે ક્લાસરૂમ તરફ દોડ્યા હતા. તેઓ દરેક ક્લાસમાં જતા હતા અને બાળકોને મારતા હતા.’
હુમલો જરૂરી હતોઃ ટીટીપી
તહરિક-એ-તાલિબાન પાકિસ્તાને (ટીટીપી)એ સ્કૂલ પર થયેલા હુમલાને યોગ્ય ગણાવ્યો છે. પાકિસ્તાની તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરીય વઝિરિસ્તાન અને ખૈબર પ્રાંતમા ઉગ્રવાદ વિરોધી કાર્યવાહીના વિરોધમાં આ હુમલો કરાયો છે. ‘કબિલાના સંતાનો અમારા સંતાનો છે. કબિલાની મહિલાઓ અમારી માતાઓ અને બહેનો છે. છેલ્લા એક વર્ષમાં ૬૦૦ લોકો માર્યા ગયા છે. તેમણે અમારા ઘરને સળગાવ્યા અને અમે તેમના ઘરોને સળગાવવા માટે મજબૂર બન્યા.’
લાઈનમાં ઉભા રાખી ગોળીબાર
ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આતંકીઓએ બાળકોને લાઈનમાં ઉભા રાખ્યાં હતા અને તેમના પર ગોળીઓ ચલાવી દીધી હતી. આમાંથી બચી ગયેલા એક બાળકે જણાવ્યું હતું કે આતંકીઓ ભાગી રહેલા બાળકો પર પણ ફાયરિંગ કરી રહ્યા હતા. તમામ બાળકો મરી ન ગયા ત્યાં સુધી આતંકીઓએ ગોળીઓ ચલાવી હતી. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે ‘અમે કેટલાય વિદ્યાર્થીઓના મૃતદેહ ઓસરીમાં વિખરાયેલા જોયાં હતાં.’ સ્કૂલ બસ ડ્રાઈવર જમશેદ ખાને જણાવ્યું કે, ‘અમે લોકો બહાર ઉભા હતાં. અચાનક જ ફાયરીંગ શરૂ થયું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બૂમો પાડી રહ્યાં હતાં.’
શિક્ષિકાને જીવતી સળગાવી
અહેવાલો અનુસાર આત્મઘાતી આતંકીઓએ એક મહિલા શિક્ષિકાને જીવતી સળગાવી નાખી હતી. આ શિક્ષિકા બાળકોને બચાવવા માટે પ્રયાસ કરી રહી હતી. એ સમયે આતંકવાદીઓની નજર તેના પર પડી હતી. બાળકોને ડરાવવા માટે આતંકવાદીઓએ એ મહિલા શિક્ષિકાને તેમની નજર સામે જ જીવતી સળગાવી દીધી હતી.
તહરિક-એ-તાલિબાનઃ આતંકનો પર્યાય
તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનને ટીટીપી કે પાકિસ્તાન તાલિબાનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંગઠન અફઘાનિસ્તાનના તાલિબાનથી અલગ છે, પણ બંનેની વિચારધારા સમાન છે. ટીટીપીનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનમાં શરિયા કાનૂનનો અમલ કરી દેશને ઈસ્લામી અમિરાત બનાવવાનો છે. તહેરિકનો અર્થ થાય છે કે અભિયાન અને તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થી એટલે કે ધાર્મિક શિક્ષણ મેળવતો વિદ્યાર્થી. જુલાઈ ૨૦૦૭માં લાલ મસ્જિદ પરની સૈનિક કાર્યવાહીથી છંછેડાયેલા બેતુલ્લાહ મસૂદે ડિસેમ્બર ૨૦૦૭માં ૧૩ જૂથોને ભેગા કરી ટીટીપીની સ્થાપના કરી હતી. ટીટીપીની શૂરા બેઠકમાં અફઘાનિસ્તાનમાં નાટો તથા પાકિસ્તાનમાં સેના સામે જેહાદ છેડવાનો નિર્ણય લેવાયો હતો.
ભારતમાં શરિયા કાનૂન
શૂરાની બેઠકમાં આ ઉપરાંત ભારત વિરુદ્ધ જેહાદ છેડવાનો પણ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ભારતમાં શરિયા કાનૂન લાગુ કરવાનો પણ સંકલ્પ કરાયો હતો. આટલું જ નહીં ધર્મનિરપેક્ષતા તથા લોકતંત્રનો અંત લાવવાનો પણ નિર્ણય કરાયો હતો.