ન્યૂ યોર્કઃ ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (પીએસઆઈડીએસ) લીડર્સ મીટિંગને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જૂથના સભ્ય રાષ્ટ્રો દીઠ કુલ ૧૫ કરોડ યુએસ ડોલરની આર્થિક સહાય જાહેર કરી હતી. પ્રત્યેક સભ્ય રાષ્ટ્ર તેને મળનારી ૧.૨ કરોડ ડોલરની આ આર્થિક સહાયમાંથી તેને વ્યાપક અસર કરે તેવી વિકાસ યોજના હાથ ધરી શકશે. યુએન જનરલ એસેમ્બલીના ૭૪મા સત્રની સમાંતરે આ બેઠક યોજાઈ હતી. જનરલ એસેમ્બલી દરમિયાન પીએસઆઈડીએસના નેતાઓ પહેલી વખત મોદીને મળ્યા હતા.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ન્યૂ યોર્કમાં પેસિફિક ટાપુઓના નેતાઓને મળવાની તક મળી અને આપણા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. પેસિફિક ટાપુઓ ભારત સરકારની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ મહત્ત્વનો હિસ્સો છે. આ બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં વડા પ્રધાન મોદી સાથે ફીજી, રિપબ્લિક કિરિબાતિ, રિપબ્લિક માર્શલ આઇલેન્ડ્સ, માઈક્રોનેસિયાના યુનિયન સ્ટેટ્સ, રિપબ્લિક નૌરુ, રિપબ્લિક પાલૌ, પાપુઆ ન્યૂ ગીનીના સ્વતંત્ર રાજ્યો, સામોઆના સ્વતંત્ર રાજ્યો, સોલોમન આઇલેન્ડ્સ, ટોન્ગા કિંગ્ડમ, તુવાલુ અને રિપબ્લિક વાનૌતુ જેવા દેશોના વડાઓએ હાજરી આપી હતી.
મોદીએ પેસિફિક આઇલેન્ડ ગ્રૂપના પ્રત્યેક સભ્યને ૧૦ લાખ યુએસ ડોલરની ફાળવણી કરવાની જાહેરાત કરતાં લખ્યું હતું કે તેમના મૂળભૂત મંત્ર ‘'સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસ’ને અનુરૂપ આ ફાળવણી કરાઇ છે. મોદીએ ક્લાઈમેટ ચેન્જની વિપરિત અસરોને દૂર કરવા માટે ઊર્જા વપરાશના ક્ષેત્રે વૈકલ્પિક ઊર્જાનો હિસ્સો વધારવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય ક્ષેત્રે મોદીએ ‘માનવતા માટે ભારત’ કાર્યક્રમ હેઠળ પેસિફિક દેશોમાં જયપુર ફૂટ આર્ટિફિશિયલ લિમ્બ ફિટમેન્ટ કેમ્પ યોજવાની ભલામણ કરી હતી.
કેરેબિયન દેશોને ૧૪ મિલિયન ડોલર
વડા પ્રધાન મોદીએ યુએન જનરલ એસેમ્બલીના વિશેષ સત્ર દરમિયાન કેરેબિયન ટાપુઓના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ સમૂહ ‘કેરિકોમ’ (Caricom - કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ) તરીકે ઓળખાય છે. કેરિકોમ નેતાઓ સાથેની પહેલી સમિટમાં ભારતે કેરેબિયન દેશો માટે ૧૪ મિલિયન ડોલરની ગ્રાન્ટ જાહેર કરી હતી. મોદીએ કેરેબિયન વડાઓ સાથે ક્લાઇમેટ ચેન્જ અને ભારતનાં સહયોગ મુદ્દે ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ આ દેશોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ૧૪ મિલિયન ડોલરની ગ્રાન્ટ મંજૂર કરી હતી જ્યારે સોલર પાવર, રિન્યુએબલ ઊર્જા, ક્લાઇમેટ ચેન્જને લગતા પ્રોજેક્ટ માટે ૧૫૦ મિલિયન ડોલરની લોન આપી હતી. ‘કેરિકોમ’ ગ્રૂપમાં ૧૫ સભ્ય દેશો અને પાંચ સહયોગી દેશોનો સમાવેશ થાય છે. આ દેશોએ ૧૯૭૩માં આર્થિક અને રાજકીય કોમ્યુનિટી માટે સંયુક્તપણે કામ કરવા અને નીતિઓ ઘડવા માટે સંગઠનની રચના કરી હતી.