બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ આ કરુણ ઘટના વિશે ખ્રિસ્તી ધર્મગુરુ પોપથી માંડીને વિશ્વભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનથી માંડીને રશિયા, જાપાન સુધીના દેશોના વડાઓએ આ ભયાવહ અકસ્માત મુદ્દે પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.
• સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ચાબા કોરોશીએ કરુણાંતિકાના મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભારતના ઓડિશામાં ટ્રેન અકસ્માત વિશે સમાચાર સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે. મારી પ્રાર્થના અને સંવેદનાઓ પીડિતોની સાથે છે.
• વ્લાદિમીર પુતિન (રશિયા)ઃ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આ અકસ્માત બાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની સંવેદનાઓ પાઠવી છે. તેમણે કહ્યું હતું કે આ ઘાતક દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે અમારી સંવેદનાઓ છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
• શહેબાજ શરીફ (પાકિસ્તાન)ઃ પાકિસ્તાની પીએમ શહબાજ શરીફે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ટ્રેન અકસ્માતમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના માટે દુઃખી છું. આ અકસ્માતમાં જેમણે પોતાનો પરિવાર અને પ્રિયજનો ગુમાવ્યા છે મારી સંવેદનાઓ તેમની સાથે છે. હું તેઓ જલદી ઠીક થાય તેની કામના કરું છું.
• તુર્કીઃ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે તુર્કીએ પણ શોક વ્યક્ત કર્યો હતો અને તેણે ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી કામના કરી હતી.
• જસ્ટિન ટ્રુડો (કેનેડા)ઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રેન અકસ્માત પ્રત્યે શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે ભારતના ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાની તસવીરોએ મારા હૃદયને તોડી નાખ્યું છે. મૃતકોના પરિજનો પ્રત્યે મારી સંવેદના છે. આ વિકટ સમયમાં સમગ્ર કેનેડા ભારતની પડખે છે.
• ફૂમિયો કિશિદાઃ જાપાનના વડા પ્રધાન ફૂમિયો કિશિદાએ પણ ટ્વિટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓડિશા ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે. સમગ્ર જાપાન વતી હું આ અકસ્માત
માટે શોક વ્યક્ત કરું છું. હું ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના
કરું છું.