નવી દિલ્હીઃ હોલિવૂડ સિંગર અને પોપસ્ટાર રિહાના દ્વારા ભારતવિરોધી ઝેર ઓકવા મુદ્દે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ‘ધ પ્રિન્ટ’ના અહેવાલ પ્રમાણે કેનેડાના પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન નામના એક સંગઠનના ગ્લોબલ કેમ્પેનના ભાગરૂપે રિહાના દ્વારા ખેડૂતોના સમર્થનમાં ભારતવિરોધી ઝેર ઓકવામાં આવ્યું છે. સૂત્રોના મતે કેનેડાસ્થિત એક્ટિવિસ્ટ અને રાજકારણીઓ દ્વારા પણ તેને સમર્થન અપાયું હતું. દિલ્હી પોલીસની સાઇબર ક્રાઇમ ટીમે પણ શોધી કાઢ્યું છે કે આ રિહાના, એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ વગેરેએ ભારતવિરોધી પ્રચાર ઝૂંબેશ દરમિયાન જે ટૂલકિટનો ઉપયોગ કર્યો છે તે પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયાની શક્યતા છે.
રિહાનાને ૨૫ લાખ ડોલર મળ્યા?
સ્કાય રોકેટ નામની એક ખાલિસ્તાની સમર્થક પીઆર કંપની દ્વારા રિહાનાને આ પોસ્ટ કરવા માટે ૨.૫ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૮ કરોડ રૂપિયાની મદદ કરાઇ હતી. જાણકારોના મતે રિહાનાની વાર્ષિક આવક કરોડો ડોલરમાં છે કે તેને આવી રકમથી કોઈ ફરક પડતો નથી. બીજી તરફ એવા પણ અહેવાલ છે કે, જે ટૂલકિટ સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પોતાની પોસ્ટમાં શેર કરી હતી તે ટૂલકિટ રિહાના અને કેનેડાના ખાલિસ્તાની સમર્થકો સુધી પણ પહેંચાડાઇ હતી, જેથી ભારતવિરોધી ઉશ્કેરણી કરી શકાય.
પાક. એજન્ટ હોવાનો પણ આરોપ
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે રિહાના પાકિસ્તાન સાથે પણ સક્રિય રીતે જોડાયેલી છે. સોશિયલ મીડિયા ઉપર રિહાનાની કેટલીક પોસ્ટ શોધી કઢાઇ છે, જે પાકિસ્તાનમાં રહેતા ભારતવિરોધી કટ્ટરપંથી દ્વારા તૈયાર કરાઇ હતી અને ભારતમાં ઉશ્કેરણી કરવા ફેલાવાઇ હતી. આ સિવાય રિહાનાની કેટલીક તસવીરો પણ સામે આવી હતી જેમાં કે પાક. વડા પ્રધાન ઈમરાન ખાનના આસિસ્ટન્ટ અને કેબિનેટ મિનિસ્ટર ઝુલ્ફી બુખારી સાથે જોવા મળી હતી. તેની આ તસવીરો અને પોસ્ટ સામે આવ્યા બાદ લોકોને પાકિસ્તાની એજન્ટ પણ ગણાવે છે જે આંતરરાષ્ટ્રીય માધ્યમો થકી ભારતમાં ઉશ્કેરણી કરી રહી છે.
વિવાદનું મૂળ ટૂલકિટ છે શું?
હકીકતે ટૂલકિટ એક પ્રકારનો દસ્તાવેજ છે. કોઈ પણ મુદ્દાની જાણકારી આપવા માટે અને તેના સંદર્ભમાં પગલાં લેવા માટે આ દસ્તાવેજમાં વિગતે સુચન હોય છે. સામાન્ય રીતે કોઈ મોટા અભિયાન અથવા આંદોલન દરમિયાન તેમાં ભાગ લેનારા લોકોને આવી જ ટૂલકિટ દ્વારા દિશા-નિર્દેશ અપાય છે. તેનો આશય ખાસ વર્ગ અથવા તો ટાર્ગેટ ઓડિયન્સને રૂટ લેવલે કામ કરવાના આદેશ આપાતા હોય છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમો દ્વારા કોઈ પણ અભિયાન સાથે જોડાવા માટે આવા દસ્તાવેજોનો ઉપયોગ કરાય છે.
ખરી લડાઈ તો પછી શરૂ થશે: ધાલીવાલની ચીમકી
સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા જે ટૂલકિટનો ઉપયોગ કરાયો છે તે પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (પીજેએફ)ના કટ્ટર ખાલિસ્તાની નેતા એમ. ધાલીવાલ દ્વારા બનાવાઇ હોવાની આશંકા સેવાય છે. આ સંસ્થાનું વડુંમથક કેનેડાનાં વેનકુંવરમાં છે જેનો સ્થાપક ધાલીવાલ છે. તે ખેડૂત આંદોલનનાં બહાને ભારતમાં ખાલિસ્તાની આંદોલન ફરી સક્રિય બનાવવા માગે છે. તેની સંસ્થાએ ટૂલકિટ દ્વારા ભારતવિરોધી લાગણી ભડકાવવા પ્લાન ઘડયો હતો. તેનો એક સ્ફોટક વીડિયો પ્રકાશમાં આવ્યો છે જેમાં તે આંદોલન માટે લોકોનું સમર્થન મેળવવા અને અલગતાવાદી આંદોલન ચલાવવા લોકોને અપીલ કરે છે.
ધાલીવાલનો વાઇરલ થયેલો વીડિયો ભારતીય દૂતાવાસની બહાર ૨૬ જાન્યુઆરીએ બનાવાયો છે. જેમાં ધાલીવાલ કહે છે કે કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે તે પછી ખરી લડાઈ ચાલુ થવાની છે. કૃષિ કાયદા પાછા ખેંચી લેવાથી જીત થઈ છે તેમ માનવું નહીં. લડાઈ ત્યાં ખતમ નહીં થાય. તેઓ (સરકાર) એવું બતાવવા માગે છે કે તમે પંજાબથી અલગ છો. ખાલિસ્તાનથી અલગ છો. પણ આપ અલગ નથી.
ધાલીવાલની સંસ્થા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન ખાલિસ્તાન તરફી ચળવળ ચલાવે છે જેણે ભારતની સરકારને ફાસીવાદી અને હિંસક અને દમનકારી ગણાવેલ છે. બીજી તરફ એવી પણ માહિતી આવી છે કે, સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા જે ટૂલકિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કોણે બનાવ્યું અને તેનાં માટે કયું ગ્રૂપ જવાબદાર છે તેની માહિતી મેળવવા ભારત સરકાર કેનેડાની મદદ મેળવશે. આ માટે કેનેડાની સરકારનો સંપર્ક સાધવામાં આવશે.