પેનેલાઃ મધ્ય પોર્ટુગલમાં જંગલોમાં લાગેલી ભયાનક આગમાં ૬૨ લોકોનાં મોત થયા છે અને અનેક ગંભીર રીતે દાઝ્યા છે. સરકારે જણાવ્યું છે કે મોટાભાગના લોકોનાં મોત કારમાં સળગી જઈને થયા છે. કોઈમ્બ્રાથી ૫૦ કિમી દૂર પેડ્રોગાઓ ગ્રાંડે મ્યુનિસિપાલિટીના જંગલમાં ૧૮મીએ બપોરે આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડના ૬૦૦ કર્મચારીઓ અને ૧૬૦ વાહનોને આગ પર અંકુશ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા. લિસ્બનની નજીક સિવિલ પ્રોટેક્શન હેડક્વાર્ટરમાં વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું હતું, કમનસીબે જંગલોમાં લાગેલી આગના સંદર્ભમાં હાલના વર્ષોમાં અમે જોયેલી સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક લાગે છે.
તેમણે કહ્યું હતું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. પ્રાથમિકતા એ લોકોને બચાવવાની છે જેઓ હજુ પણ જોખમમાં હોઈ શકે છે. તેમણે કહ્યું હતું, સૌપ્રથમ તો આવશ્યકતા આગ પર અંકુશ મેળવવાની છે. તેના પછી જ એ ખ્યાલ આવશે કે શું બન્યું હતું. પોર્ટુગલમાં અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સે.થી વધી ગયું હતું. મૃતકોમાં મોટાભાગના લોકો આગની જ્વાળાઓમાં ફસાયેલી પોતાની કારોમાં ફસાઈ ગયા હતાં. જંગલની આગ પેડ્રોગાઓ ગ્રાંડે, ફિગુએરો ડો વિનહોસમાં વધુ પ્રમાણમાં ફેલાઈ છે. આગના કારણે ધુમાડાનો ઘટ્ટ થર વાતાવરણમાં જોવા મળે છે. જે નેશનલ મોટરવેની આસપાસ ૨૦ કિમી સુધી જોવા મળી રહ્યો હતો.