ચીનના પ્રમુખ જિનપિંગ શુક્રવારે ચેન્નઇ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગવર્નર ભંવરીલાલ પુરોહિત અને નાયબ મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી જિનપિંગ આરામ માટે આઇટીસીની હોટલ ગ્રાન્ડ ચૌલા પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ ચેન્નઇથી મહાબલિપુરમ્ રવાના થયા હતા. બરાબર પાંચ કલાકે તેઓ મહાબલિપુરમ્ પહોંચ્યા હતા જ્યાં મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ બંને નેતાઓએ મહાબલિપુરમમાં પ્રસિદ્ધ અર્જુનના તપસ્યા સ્થળની મુલાકાત લીધી હતી. મોદીએ જિનપિંગને આ સ્થળના ઐતિહાસિક મહત્ત્વ અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ બંને નેતાઓ પંચ રથ પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ નારિયેળ પાણી પીતાં પીતાં અનૌપચારિક વાતો કરી હતી. ત્યારબાદ બંને નેતાઓએ ૨૫૦ ટનના કૃષ્ણા બટરબોલની પણ મુલાકાત લીધી હતી. ૬ મીટર ઊંચી અને ૫ મીટર પહોળી આ ગોળાકાર શિલા વર્ષોથી અદભૂત સંતુલન સાથે ઊભી છે. પંચરથ ખાતે થોડો સમય વીતાવ્યા પછી બંને નેતાઓ દરિયાકિનારા પર આવેલા શોર મંદિર ખાતે પહોંચ્યા હતા. શોર મંદિર પરિસરમાં જ જિનપિંગના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. મોદીએ જિનપિંગને શોર મંદિરની પરિક્રમા કરાવીને ઐતિહાસિક મહત્ત્વ સમજાવ્યું હતું.
જિનપિંગને સિલ્કની શાલ ભેટ આપી
વડા પ્રધાન મોદીએ શનિવારે પ્રમુખ શી જિનપિંગને હાથ બનાવટની સિલ્કની શાલ ભેટમાં આપી. આ શાલમાં હળવા લાલ સિલ્ક બેકગ્રાઉન્ડમાં સુવર્ણ જરીકામથી જિનપિંગનો ચહેરો કંડારાયો છે. આ શાલ મામલ્લાપુરમમાં પ્રદર્શિત કરાઈ હતી. બાદમાં વડા પ્રધાન મોદીએ કોઈમ્બતૂર સ્થિત સોસાયટીના વણકરો દ્વારા તૈયાર કરેલું જિનપિંગનું હાથવણાટનું સિલ્કનું ચિત્ર ચીનના પ્રમુખને ભેટ આપ્યું હતું.
ચીનના પ્રમુખને આ ઉપરાંત પૂમ્ફૂરમાં તાન્જોર આર્ટ પેઈન્ટિંગ, નૃત્ય કરતાં સરસ્વતી, સુંદર ગ્લાસ પેઈન્ટિંગ અને એક ફાનસ પણ ભેટમાં અપાયા હતા. આ પૂર્વે મોદી જિનપિંગને તામિલનાડુના હેન્ડલૂમ પ્રદર્શન અને અન્ય હસ્તકલાઓની વસ્તુઓના પ્રદર્શનમાં લઈ ગયા હતા. ચીનના પ્રમુખે ભારતીય વડા પ્રધાનને ચીનાઈ માટીનું સ્મૃતિ ચિહન ભેટ આપ્યું હતું, જેના પર મોદીની છબી અંકિત છે.
મોદી ‘પરંપરાગત’, જિનપિંગ ‘કેઝ્યુઅલ’!
મહાબલિપુરમ્ ખાતે મુલાકાતના પ્રારંભે વડા પ્રધાન મોદી તામિલનાડુના પરંપરાગત વસ્ત્રો સફેદ શર્ટ, સફેદ ખેસ અને સફેદ લુંગીમાં નજરે પડયા હતા. જ્યારે ચીની પ્રમુખ જિનપિંગ કેજ્યુઅલ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યા હતા. મોદીએ પહેરેલી તામિલ વેશભૂષામાં હાફ શર્ટ, વેષ્ટી અને મેલ થુંડુ એટલે કે દક્ષિણ ભારતીય લુંગીનો સમાવેશ થતો હતો.
મોદીનું ૩ ભાષામાં ટ્વિટ
વડા પ્રધાન મોદીએ શુક્રવારે ચેન્નઈ પહોંચ્યા પછી સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અંગ્રેજીની સાથે સાથે તામિલ અને ચીની ભાષામાં ટ્વિટ કર્યું હતુંઃ ‘ચેન્નઈમાં લેન્ડ થઈ ચૂક્યો છું. અદ્ભુત સંસ્કૃતિ અને મહેમાનગતિ માટે જાણીતા તામિલનાડુની મહાન ધરતી પર આવીને ઘણો ખુશ છું. આનંદની વાત એ છે કે, તામિલનાડુ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની મેજબાની કરી રહ્યું છે. આ અવિધિસરની શિખર બેઠક દ્વારા ભારત-ચીનના સંબંધો વધુ મજબૂત બને તેવી આશા છે.’
શાકભાજી-ફળોનું તોરણ દ્વાર
મોદી સાથે અવિધિસરની મુલાકાતે પહોંચેલા ચીની રાષ્ટ્રપતિ જિનપિંગના આવકાર માટે મહાબલિપુરમના પ્રસિદ્ધ પર્યટક સ્થળ પંચ રથ નજીક ૧૮ અલગ અલગ પ્રકારનાં શાકભાજી અને ફળોમાંથી દરવાજો તૈયાર કરાયો હતો. ચેન્નઈથી ૫૬ કિલોમીટર દક્ષિણે આવેલા મહાબલિપુરમમાં આ ગેટ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલાં શાકભાજી ઓર્ગેનિક હતાં અને તામિલનાડુના વિવિધ વિસ્તારોમાંથી લવાયાં હતાં. તામિલનાડુમાંથી ચીનમાં જે શાકભાજી અને ફળોની નિકાસ કરાય છે તે તમામનો ઉપયોગ કરીને આ ગેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મશહૂર શોર મંદિર પાસે વડા પ્રધાન મોદી અને જિનપિંગના સ્વાગત માટે પરંપરાગત રીતે કેળાંના ઝાડ લગાવવામાં આવ્યાં હતાં.
દક્ષિણ ભારતીય વ્યંજનો
મહાબલિપુરમમાં શુક્રવારે આયોજિત ડિનરમાં જિનપિંગે વિશેષ રીતે તૈયાર કરાયેલાં દક્ષિણ ભારતીય વ્યંજનોનો આસ્વાદ માણ્યો હતો. જેમાં તક્કલી રસમ, અરાચવિટ્ટા, સાંભર, કદાલી કુરમાથી માંડીને કાવનરસી હલવાનો સમાવેશ થયો હતો. ચેત્તિનાદથી માંડીને કરાઇકુડી પણ પીરસાયાં હતાં. મહાનુભાવોના રાત્રિભોજન માટે એક વિશેષ સજાવટ સાથેનો મંડપ તૈયાર કરાયો હતો.