ઇરાને મહાસત્તાઓ સાથે પરમાણુ કરાર ઉપર હસ્તાક્ષર કરવા માટે નવી શરત મૂકી છે. રાષ્ટ્રપતિ હસન રુહાનીએ જણાવ્યું હતું કે ઇરાન સમજૂતી કરારો ઉપર તે જ દિવસે હસ્તાક્ષરો કરશે કે જે દિવસે તેના ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવી લેવાશે. ગત સપ્તાહે છ મહાસત્તાઓએ સ્વિત્ઝર્લેન્ડમાં ઇરાનને સમજૂતી કરારો કરવા માટે મનાવી લીધું હતું. પણ ઇરાન પ્રતિબંધો અંગે નિર્ણય લેવાયો નહોતો. અમેરિકાએ પછી જણાવ્યું હતું કે પ્રતિબંધ ધીમે-ધીમે હટાવાશે.
અરુણાચલ મામલે ભારત સાથે ‘વિવાદ’ છે જઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવા બંને દેશો અનુકૂળ વાતાવરણ સર્જશે તેવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું હોવા છતાં અરુણાચલ પ્રદેશ મામલે ચીને ફરીથી વિવાદ ઊભો કર્યો છે. મોદીની ચીનયાત્રા પહેલાં ચીને એક નિવેદનમાં જણાવ્યું છે કે, અરુણાચલ પ્રદેશ મામલે ભારત સાથે તેમનો મોટો વિવાદ ચાલી રહ્યો છે તે અવગણી ન શકાય તેવું સત્ય છે.
લાહોર હાઇકોર્ટનો લખવીને મુક્ત કરવાનો હુકમઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ જકી-ઉર-રહેમાન લખવી ટૂંક સમયમાં જ જેલમાંથી મુક્ત થશે. પાકિસ્તાન સરકારે તેની વિરુદ્ધમાં સંવેદનશીલ પુરાવા કોર્ટમાં રજૂ ન કર્યા હોવાથી આ બાબતને આધારે લાહોર હાઇકોર્ટે પંજાબ પ્રાંતના મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (એમપીઓ) હેઠળ તેને અટકાયતમાં રાખવાનો આદેશ રદ કર્યો છે. ભારતે આ બાબતે આકરી પ્રતિક્રિયા આપી છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરન રિજિજુએ જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદ મુદ્દે ગંભીર નથી.
તિકરિતમાં ૧૭૦૦ સૈનિકોની કબરો મળીઃ તિકરિતમાં ૧૭૦૦ ઇરાકી સૈનિકોનાં ૧૨ કબ્રસ્તાન મળ્યા છે, તેમને ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ માર્યા હતા. તિકરિતને અત્યારે આઇએસ આતંકીના કબજામાંથી મુક્ત કરાયું છે. આ તે ઇરાકની સૈનિકોનાં કબ્રસ્તાન છે જેને અમેરિકી છાવણીની બહાર પકડવામાં આવ્યા હતા. તેમાંથી કેટલીક કબર તો પૂર્વ ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના પરિસરમાં છે.