વોશિંગ્ટન ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO)ના ચેરમેન ડો. થોમસ અબ્રાહમે વિદેશી નાગરિકત્વ ધરાવતા ડાયસ્પોરા ભારતીયોને પ્રતિબંધિત ભારતીય ચલણના વિનિમય અથવા ડિપોઝિટ કરવાની સુવિધા નહીં આપવાના મુદ્દે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર ડો. ઉર્જિત પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. ડો. ઉર્જિત પટેલે ૨૪મી એપ્રિલે કોલંબિયા યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યું હતું. GOPIOના અંદાજ અનુસાર વિદેશી નાગરિકત્વ સાથેના OCI કાર્ડધારકો અને OCI કાર્ડ વિનાના ડાયસ્પોરા ભારતીયો પાસે ૫,૦૦૦ કરોડ રૂપિયાના મૂલ્યની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ્સ છે.
ડો. અબ્રાહમે જણાવ્યું હતું કે, ‘દરિયાપારના ૫૦ ટકાથી વધુ ભારતીયોને તેમની સખત મહેનતથી કમાયેલી આવકથી વંચિત રાખવાનો ભારે અન્યાય થાય છે.’ ડો. અબ્રાહમે ડાયસ્પોરા ભારતીયો દ્વારા ઉપસ્થિત કરાયેલા મુદ્દા અને સમસ્યાઓની અરજીની નકલ RBIના ગવર્નરને સુપરત કરી હતી. આ પિટિશન પર હજારો ડાયસ્પોરા ભારતીયોએ સહી કરી છે. GOPIOના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ નિરજ બક્ષીએ જણાવ્યું હતું કે, ‘ડાયસ્પોરા ભારતીયો માટે આ મોટી સમસ્યા છે અને તે ઉભી કરવામાં આવી છે, જેનો ઉપાય કરવો જરૂરી છે.’ પોતાની પાસેની પ્રતિબંધિત ચલણી નોટો ડિપોઝીટ કરાવવા ભારતના પ્રવાસે ગયેલા ઘણા લોકોને RBIની પાંચ શાખાએથી પાછા મોકલી દેવાયા હતા. આ શાખાઓ ભારતીય નાગરિક હોય તેવા બિનનિવાસી ભારતીયો (NRI) પાસેથી પ્રતિબંધિત ચલણી નોટો હજુ સ્વીકારે છે.
RBIના ગવર્નરને લખેલા પત્રમાં GOPIO દ્વારા જણાવાયું હતું કે, જાતકમાણીની ચલણી નોટોને ડિપોઝીટ કરાવવામાં OCI કાર્ડધારકો અને NRI વચ્ચે ભેદભાવ કરવો ભારત માટે યોગ્ય નથી. વિદેશી નાગરિકત્વ સાથેના ભારતીયો તથા PIO અને OCI કાર્ડધારકોને પણ NRI (ભારતીય પાસપોર્ટધારકો)ની માફક જ રૂ. ૨૫,૦૦૦ની નોટિફાઈડ રકમના બદલે રૂ. ૨,૫૦,૦૦૦ની જૂની ભારતીય ચલણી નોટ્સ ડિપોઝીટ કરાવવાની છૂટ મળવી જોઈએ. વિમુદ્રીત ચલણને બદલાવવા ભારતના લોકો દ્વારા OCI કાર્ડધારકોનો ઉપયોગ કરાશે તેવી RBIની દલીલ ખોટી છે.
GOPIO દ્વારા જાન્યુઆરી ૨૦૧૭માં ભારતીય રિઝર્વ બેન્કની દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને નાગપુર શાખામાં PIO/OCI કાર્ડધારકોને તેમજ વિદેશી નાગરિકત્વ સાથેના ડાયસ્પોરા ભારતીયોને પણજૂની પ્રતિબંધિત ભારતીય ચલણી નોટો જમા કરાવવાની છૂટ આપવા ભારતના વડા પ્રધાનને અપીલ કરતા ઓનલાઈન કેમ્પેઈનનો આરંભ કરાયો હતો. બધા PIO/OCI કાર્ડધારકો અને વિદેશી નાગરિકત્વ સાથેના ડાયસ્પોરા ભારતીયો જૂન ૩૦ ૨૦૧૭ પહેલાં ભારતની મુલાકાત લઈ શકે તેમ ન હોવાથી તેમને ભારતની રિઝર્વ બેન્કમાં આથવા પોતાના NRO ખાતામાં જૂની ચલણી નોટો ડિપોઝીટ કરવાની સુવિધા ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ સુધી અપાવી જોઈએ તેવા માગ પણ કરવામાં આવી છે.