વોશિંગ્ટનઃ અમેરિકી જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટરે અમેરિકી કોંગ્રેસને કહ્યું હતું કે અમેરિકા સામે ૨૧મી સદીમાં સૌથી મોટો વૈશ્વિક ખતરો ચીન છે. બીજી તરફ વ્હાઈટ હાઉસે જાહેર કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો પર તાલિબાનો હુમલો કરતા હતા. આ હુમલાને રશિયા પ્રોત્સાહન આપતું હતું એવા કોઈ પુરાવા મળ્યા નથી. દરમિયાન રશિયા સામે વિવિધ પ્રતિબંધો જાહેર કર્યા પછી બાઈડેને ઢીલું વલણ દાખવતા કહ્યું હતું કે વાટાઘાટો માટે તેઓ તૈયાર છે.
સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અમેરિકી કોંગ્રેસની ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા સામે જો કોઈ પડકાર હોય તો એ ચીન છે. માટે અમેરિકાએ તેને ધ્યાનમાં રાખીને જ પોતાના ભાવિ આયોજનો ઘડવા જોઈએ. તેમણે કહ્યુ હતુ કે ચીન સાથે લાંબે ગાળે સબંધો સુધરે એવી પણ શક્યતા સાવ ઓછી છે.
તાલિબાની આતંકીઓ અમેરિકાના અફઘાનિસ્તાનમાં રહેલા સૈનિકો પર વારંવાર હુમલો કરતા હતા. આ હુમલા માટે રશિયા નાણા-મદદ પુરા પાડતું હોવાનો આક્ષેપ અમેરિકામાં થયો હતો. બાઈડેન ત્યારે પ્રમુખ ન હતા, માટે ટ્રમ્પ પર એવો આક્ષેપ કરતા હતા કે રશિયા આપણા સૈનિકો પર હુમલો કરાવે છે, પણ ટ્રમ્પ રશિયા પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે. માટે કાર્યવાહી કરતાં નથી. બાઈડેનનો એ આક્ષેપ ખોટો સાબિત થયો છે કેમ કે હુમલામાં રશિયામાં સંડોવણીના કોઈ પુરાવા ન મળ્યાની વિગત વ્હાઈટ હાઉસે જ જાહેર કરી હતી.
રશિયાના દસ અધિકારીઓને બાઈડેને હાંકી કાઢ્યા છે, ૬ કંપનીઓ અને અન્ય નાગરિકો સામે પ્રતિબંધ મુક્યો છે. એ પછી હવે બાઈડેને કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વાટાઘાટો માટે તૈયાર છે. જોકે તેમણે રશિયાએ યુક્રેન સરહદે ખડકેલા સૈન્ય સામે વિરોધ પણ રજૂ કર્યો હતો.