પ્રિટોરિયાની ગોસિયામે ૧૦ બાળકને જન્મ આપ્યો!

Wednesday 16th June 2021 08:31 EDT
 
 

કેપટાઉનઃ મહિલાઓ માટે ડિલિવરીના સમયે એકસાથે બે કે ત્રણ બાળકને જન્મ આપવો સામાન્ય બાબત બની ગઇ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો હોય? સાઉથ આફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં એક મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો છે. મેડિકલ સાયન્સમાં આ ઘટનાને એક નવા વિશ્વવિક્રમના રૂપમાં જોવામાં આવી રહી છે.
ગોસિયામ થમારે સિટેહોલેના પતિ ટેબોહો ત્સોતેત્સીએ જણાવ્યું કે દસ બાળકો જોઈને તેઓ અચંબિત રહી ગયા. ડોક્ટરોએ તેમને અલ્ટ્રસાઉન્ડના માધ્યમથી ગર્ભમાં માત્ર આઠ બાળકો હોવાની જાણકારી આપી હતી. પરંતુ આ તો તેનાથી પણ બે વધુ છે.
ગયા મહિને આપ સહુએ ‘ગુજરાત સમાચાર’માં આ જ સ્થળે વાંચ્યુ હશે કે વેસ્ટન આફ્રિકન દેશ માલીની ૨૫ વર્ષની યુવતીએ એક જ પ્રેગન્સીથી સૌથી વધુ ૯ બાળક (૫ પુત્રી અને ૪ પુત્ર)ને જન્મ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. જોકે આ રેકોર્ડ એક જ મહિનામાં તુટી ગયો છે.
૩૭ વર્ષની ગોસિયામ થમારે સિટહોલે ૭ જૂને ૧૦ બાળકોને જન્મ આપવા આપરેશન કરાવવું પડ્યું હતું. તેણે ૭ પુત્ર અને ૩ પુત્રીને જન્મ આપ્યો છે. પ્રેગનન્સીની તપાસ દરમિયાન ડોક્ટરે તેને ગર્ભમાં ૮ બાળકો હોવાની વાત કરી હતી.
બાળકોના જન્મ બાદ પિતા ટેબોહો ત્સોતેત્સીએ ‘પ્રિટોરિયા ન્યૂઝ’ને જણાવ્યું કે ‘સાત પુત્ર છે અને ત્રણ પુત્રી. હું બહુ ખુશ છું. ભાવુક થઈ રહ્યો છું. વધુ વાત કરી શકું તેમ નથી.’ પરિવારના એક સભ્યે નામ ન આપવાની શરતે કહ્યું કે ગોસિયામ થમારે સિટહોલેએ પાંચ બાળકોને કુદરતી રીતે જન્મ આપ્યો છે, જ્યારે પાંચ બાળકોને ઓપરેશન કરીને જન્મ અપાયો હતો.

માલીની યુવતીએ આપ્યો હતો ૯ બાળકોને જન્મ
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડનું કહેવું છે કે તેઓ ગોસિયામ થમારે સિટહોલેના કેસની તપાસ કરી રહ્યા છે. આ પછી તેમના નામે વિક્રમની નોંધ થશે. હાલમાં અમેરિકાનાં એક મહિલાના નામે ૨૦૦૯માં સૌથી વધુ આઠ બાળકોને જન્મ આપ્યાનો અને તમામ સંતાન જીવિત રહેવાનો વર્લ્ડ રેકર્ડ ગિનીસ બુકમાં નોંધાયેલો છે. આ પછી ગયા મહિને માલીનાં હલીમા સિસ્સેએ ૯ બાળકોને જન્મ આપીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ બાળકો હાલ મોરોક્કોના એક ક્લિનિકમાં છે અને સ્વસ્થ છે. જોકે હવે ગોસિયામે આ રેકોર્ડ પણ તોડ્યો છે.
તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે જે ગર્ભમાં વધુ સંખ્યામાં બાળકો હોય છે, તેમની સમય પહેલાં ડિલિવરી થઈ જાય છે. ત્રણથી વધુ બાળકોના જન્મના કેસ બહુ ઓછા બનતા હોય છે અને એવું સામાન્ય રીતે કૃત્રિમ ગર્ભધાનને કારણે બનતું હોય છે. જોકે આ મામલે આ કપલનું કહેવું છે કે ગર્ભ કુદરતી રીતે જ રહ્યો હતો.

માતાને શું ચિંતા હતી?
૩૭ વર્ષીય ગોસિયામ થમારે સિટહોલેએ અગાઉ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો, જે હવે છ વર્ષનાં છે. કહેવાય છે કે આ ડિલિવરી પણ ગર્ભનાં ૨૯મા અઠવાડિયે થઈ હતી. ‘પ્રિટોરિયા ન્યૂઝ’ સાથે વાત કરતાં તેમણે તેમની પ્રેગ્નેન્સી અંગે કહ્યું હતું, ‘શરૂમાં આ મુશ્કેલ લાગતું હતું અને આ બાળકો સ્વસ્થ જન્મે એ માટે પ્રાર્થના કરતી હતી. રાતે ઊંઘ પણ નહોતી આવતી. એ ચિંતા રહેતી કે શું થશે. હું મારી જાતને પૂછતી હતી કે તે કેવી રીતે ગર્ભમાં જગ્યા બનાવશે? શું એ બધા જીવી જશે?’ જોકે ડોક્ટરોએ તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમનું ગર્ભાશય ફેલાઈ રહ્યું છે. આખરે સંતાનોનો જન્મ થયો અને તેમણે રાહતની લાગણી અનુભવી. તેમના પતિનું કહેવું છે કે તેઓ આનંદથી જાણે આસમાનમાં વિહરે છે.
આ દંપતી ૧૦ સંતાનના જન્મથી ઘણા ખુશ છે. પરિવારમાં ખુશીનો મહાલો છે. જોકે ૧૦ બાળકને જન્મ આપવાનું ગોસિયામ માટે સરળ નહોતું. ઓપરેશન દરમિયાન ડોક્ટરે ઘણી સાવધાની સાથે કામ કર્યું અને તમામ બાળકોને બચાવવામાં સફળ રહ્યાં. તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને થોડાં મહિલા સુધી તેમને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter